Mumbai, તા.8
પ્રાયમરી માર્કેટના આઇપીઓમાં રોકાણકારો કરોડો-અબજો રૂપિયા ઠાલવી જ રહ્યા છે છતાં પસંદ ન પડે તેવા ઇસ્યુને જાકારો આપી દેતા હોય છે. મંગળવાર (ગઇકાલ)થી ખુલેલા કેપીટલ ઇન્ફ્રા ટ્રસ્ટના આઇપીઓમાં તેનું પુનરાવર્તન થઇ રહ્યું હોય તેમ આજે બપોર સુધીમાં અંદાજીત અર્ધો જ ભરાયો હતો. અન્ય કંપનીઓમાં કરોડો રૂપિયા ઠાલવી રહેલા રોકાણકારોએ કેપિટલ ઇન્ફ્રામાં ઓછો રસ લીધો હોવાનો ઘાટ છે.
પ્રાયમરી માર્કેટમાં આજની સ્થિતિએ સાત કંપનીઓના ભરણા ચાલુ હતા. ત્રણ મેઇન બોર્ડના હતા. 410 કરોડ એકત્રિત કરવા આઇપીઓ લાવનાર સ્ટાંડર્ડ ગ્લાસમાં ઇન્વેસ્ટરોએ જોરદાર રોકાણ ઠાલવ્યું હોય તેમ આજે બપોર સુધીમાં તે 54 ગણો ભરાઇ ગયો હતો.
ક્વોડ્રન્ટના આઇપીઓમાં પણ બ્રોકરોની ભલામણના આધારે ઇન્વેસ્ટરોનું આકર્ષણ હોય તેમ બપોર સુધીમાં 12-53 ટકા ભરાયો હતો. મેઇન બોર્ડના આ બન્ને આઇપીઓમાં ઇન્વેસ્ટરોનો ઉત્સાહ જણાયો હતો. પરંતુ મેઇન બોર્ડના જ ત્રીજા એવા કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટના આઇપીઓમાં આજે બપોર સુધીમાં 0.52 ટકાનું ભરણું થયાનું વેબસાઇટ આંકડાકીય રીપોર્ટમાં જણાવ્યું હતું. અર્થાત માંડ અર્ધો ગણો ભરાયો હતો. આ આઇપીઓનો આજે બીજો દિવસ હોવા છતાં ઇન્વેસ્ટરોનો કોઇ મોટો ઉત્સાહ ઉભો ન થયાનું ચિત્ર હતું.
પ્રાયમરી માર્કેટમાં એવી ચર્ચા હતી કે કેટલાંક વખતથી ગમે તે આઇપીઓ અનેકગણા ભરાઇ જતા હતા. એટલું જ નહીં, પ્રથમ કલાક કે પ્રથમ દિવસે જ એકથી વધુ ગણા છલકાઇ જતા હતા. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટના આઇપીઓમાં આજે બીજો દિવસ છે. બપોર સુધીમાં અર્ધો ગણો જ છલકાયો હોવાથી રોકાણકારોનો તેમાં રોકાણ કરવાનો મોટો ઉત્સાહ ન હોવાનું માની શકાય.
આઇપીઓમાં રોકાણના આખરી આંકડાનો રીપોર્ટ તો આવતીકાલે ભરણું પૂર્ણ થયા પછી જ આવે છતાં અત્યારની સ્થિતિએ એવી શંકા છે કે અન્ય આઇપીઓની સરખામણીએ તેમાં ભરણું ઓછું હશે.
કેપિટલ ઇન્ફ્રાને લાગે વળગે છે ત્યાં સુધી કોઇ પ્રીમીયમ બોલાતું ન હોવાનું કે ગ્રે માર્કેટ અથવા અરજીમાં વેપાર પણ ન હોવાનું પ્રાયમરી માર્કેટના બ્રોકરોએ કહ્યું હતું.