Mumbai,તા.૨૧
ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે બેટ સાથે ખૂબ જ શાનદાર રીતે આ જવાબદારી શરૂ કરી છે. રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, શુભમન ગિલને આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી છે, જેમાં શ્રેણીની પહેલી મેચ બંને ટીમો વચ્ચે લીડ્સના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં, ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો છે, જેમાં દિવસના છેલ્લા સત્રમાં કેપ્ટન શુભમન ગિલના બેટમાંથી ઐતિહાસિક સદી જોવા મળી હતી.
શુબમન ગિલ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વાર ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે, તે પહેલી વાર નંબર-૪ પર બેટિંગ કરવા પણ ઉતર્યો છે. ગિલે અત્યાર સુધી પહેલા દિવસની રમતમાં આ બંને જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી છે, જેમાં તે પોતાની બેટિંગ દરમિયાન એક પણ વાર દબાણમાં દેખાયો નથી. ગિલ ભારતના ચોથા કેપ્ટન પણ બન્યા છે જેણે કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમતી વખતે પહેલી ઇનિંગમાં સદી ફટકારવામાં સફળતા મેળવી છે. ગિલ પહેલા, વિજય હજારે, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી હતી.
ભારતીય ટીમની કેપ્ટનશીપ દરમિયાન ટેસ્ટની પહેલી ઇનિંગમાં સદી ફટકારનારા ખેલાડીઓ
વિજય હજારે – ૧૬૪ રન અણનમ (ઇંગ્લેન્ડ સામે, ૧૯૫૧, દિલ્હી)
સુનીલ ગાવસ્કર – ૧૧૬ રન (ન્યૂઝીલેન્ડ સામે, ૧૯૭૬, ઓકલેન્ડ)
વિરાટ કોહલી – ૧૧૫ રન (ઓસ્ટ્રેલિયા સામે, ૨૦૧૪, એડિલેડ)
શુભમન ગિલ – ૧૨૭* રન (ઇંગ્લેન્ડ સામે, ૨૦૨૫, લીડ્સ)
ગિલે મન્સૂર અલી ખાન પટૌડીનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મન્સૂર અલી ખાન પટૌડીનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે પચાસથી વધુ રન બનાવનારા સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે ૨૫ વર્ષ અને ૨૮૫ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે, જ્યારે મન્સૂર અલી ખાન પટૌડીએ ૧૯૬૭માં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ દરમિયાન ૨૬ વર્ષ અને ૧૭૪ દિવસની ઉંમરે ઇંગ્લેન્ડમાં પચાસથી વધુ રનની ઇનિંગ રમી હતી.