પોલીસે પીછો કરી કાર ચાલકને ઝડપી લીધો,પાનની કેબિનમાં નુકસાન, બે ઘાયલ
Rajkot,તા.28
શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાત્રિના ન્યારી ડેમના પાટિયા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઈડર તોડી સામેથી આવી રહેલા ઝોમેટોના ડિલિવરી બોયના બાઇક સહિત હડફેટે લીધો હતો. અહીં પાનની કેબીને ઉભેલા અન્ય એક યુવાનને પણ હડફેટે લીધો હતો જેથી નાસભાગ મચી જવા પામી હતી.અકસ્માત બાદ કારચાલકે વાહન હંકારી મૂક્યું હતું. દરમિયાન તાલુકા પોલીસે તેનો પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકથી અકસ્માત સર્જનાર આ કારચાલકને ઝડપી લીધો હતો.અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.અકસ્માતના આ બનાવ અંગે મવડી પાળ ગામ રોડ પર લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતા અને ઝોમેટામાં ડીલેવરી બોય તરીકે નોકરી કરનાર હિતેશ પ્રવીણભાઈ જસાપરા (ઉ.વ 43) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલ રાત્રિના તે કેવી ચોક પાસે નેચરલ આઈસ્ક્રીમ દુકાનેથી આઈસ્ક્રીમનું પાર્સલ લઇ ફોનિક્સ રિસોર્ટ ઇશ્વરીયા મેઇન રોડ પર ડિલિવરી કરવા માટે જતો હતો ત્યારે ન્યારી ડેમના પાટિયા પાસે માધવ મહેલ બિલ્ડીંગ સામે રાત્રિના 11:00 વાગ્યે પહોંચતા અહીં સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર જીજે 3 એલજી 9232 ડિવાઇડર ટપી યુવાનને બાઇક સહિત અડફેટે લીધો હતો. અહીં બાજુમાં જ પાનની કેબિન આવેલી હોય ત્યાં ઉભેલા સાવન ચોટલીયા (ઉ.વ 18 રહે. અવધના ઢાળિયા પાસે) ને પણ હડફેટે લીધો હતો અને કેબિનના પણ નુકસાની કરી હતી. બનાવ બાદ અહીં નાશલા, મચી જવા પામી હતી.અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદી હિતેશ જસાપરાના પગનો ગોળો ભાંગી ગયો હોવાનું તેમજ અન્ય યુવાન સાવન ચોટલીયાને પગમાં ચાર જેટલા ફ્રેક્ચર થઇ ગયા માલુમ પડ્યું હતું આ ઘટના બાદ કારચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. તાલુકા પોલીસે આ કારચાલકનો પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી તેને ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા તેનું નામ ઋત્વિક મકવાણા હોવાનું માલુમ પડ્યું હતું. કારચાલક નશો કરી વાહન ચલાવતો હતો કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.