કારે ડબલ સવારી સ્કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડી તી
Rajkot,તા.15
શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત નગર ચોક પાસે પુરપાટ ઝડપે મારુતિ કારે ડબલ સવારી સ્કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડવાના સાડા પાંચ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે આરોપીને છ માસની કેદ તેમજ રૂપિયા 2000 દંડ, છ માસ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ગઈ તા. ૦૯/ ૦૭/ ૨૦૧૮ના સવારે રાજકોટમાં પંચાયતનગર સોસાયટી પાસે, યુનિ. રોડ મુકામે કાર નંબર જી.જે. ૦૩ એફ.ડી. ૧૦૭૧ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડબલ સવાળી સ્કુટરને હડફેટે લેતા તેના ચાલક સવિતાબેન કેશુભાઈ વઘાસિયા અને સાથે બેઠેલા મહિલાને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા કરી નાસી છુટ્યા અંગેની ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તે બાબતે પોલીસે જરૂરી પંચનામા કરી તેમજ લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી આરોપી દીપેશ મગનભાઈ ગોંડલીયા સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ ચાર્જશીટ દાખલ કર્યું હતું.આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા તપાસનીશ પોલીસ તપાસના કાગળો, સાહેદોની જુબાની, સરકારી વકીલની રજૂઆતો દલીલો અને બનાવની ગંભીરતા ધ્યાને પાંચમા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર જગુવાલા એ આરોપી દીપેશ મગનભાઈ ગોંડલીયાને આઈપીસી ૩૩૮ના ગુનામાં તકસીરવાડ ઠરાવી છ માસની કેદ ₹1000 દંડ, 249 ના ગુનામાં ત્રણ માસની કેદ તથા 500 રૂપિયા દંડનો હુકમ ઉપરાંત એમવી એક્ટની કલમ 177 184 મુજબ ₹500નો દંડ અને છ માસ માટે આરોપી દીપેશ મગનભાઈ ગોંડલીયાનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે.