Vadodara,તા.19
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક આજે ફરી એકવાર નર્મદા કેનાલે બે નિર્દોષનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે એક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જોકે, કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓનો સમયસૂચકતા વાપરી બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે થોડા સમય પહેલાં ગાંધીનગરના નભોઇ ગામ પાસે આવેલી કેનાલમાં ખાબકતાં 3 લોકોના મોત નીપજ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, ચાર લોકો એક કારમાં દેરોલી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી પરથી કાબૂ ગુમાવ્યો હતું અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. કાર સવાર લોકો દિવાળીપુરાના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ત્યારે ફરી આ ઘટનાએ કેનાલની સુરક્ષા અને વાહનચાલકોની સાવચેતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.