Ahmedabadતા.૮
શહેરના એસ.જી. હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અનેક લોકોના જીવ જાય છે. તો પણ તંત્રની લાપરવાહી છે કે શું છે કે આ રસ્તાના મોટાભાગના વિસ્તારોમાં લાઈટો જ લગાવવામાં આવતી નથી. તથ્યકાંડ અકસ્માત બાદ રસ્તાઓ પર લાઇટો લગાવવામાં આવશે તેવી બુમરાણ ચાલી હતી પરંતુ આટલો સમય વિત્યો છતાં સ્થિતિ તો એમની એમ જ છે. રસ્તાઓ બનાવવામાં આવે છે પરંતુ લાઈટો ક્યારે અને કોણ લગાવશે તે તો ભગવાન ભરોસે છે. ફરીથી એસ.જી. હાઇવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને તેમાં ૨૩ વર્ષના યુવાનનો જીવ ગયો છે.
આજે સવારે અમદાવાદના એસ.જી. હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આજે સવારે પાંચેક વાગ્યાની આસપાસ એસ.જી. હાઈવે રોડ પર મર્સિડીઝ બેન્ઝ શોરૂમની સામે ગુરુદ્વારા અંડરબ્રિજ પર આઇશર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ૨૩ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં બેઠેલી બે યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ છે.
મળતી માહિતી પ્રમાણે, કાર ચાલક ૨૩ વર્ષના આર્યન સુરેશકુમાર બત્રાનું મોત નીપજ્યું છે. જ્યારે ૨૨ વર્ષની પ્રિયાંશી ચોકસી અને ૨૨ વર્ષની કિર્તી પવન અગ્રવાલ ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. એસ.જી. હાઈવે રોડ પરના ગુરુદ્વારા અંડરબ્રિજ પર આજે સવારે આઈસર ગાડી નંબર જીજે૦૨-એકસએકસ-૩૮૮૯ કોઈ કારણસર બંધ પડી ગઈ હતી.
જેથી તેને રોડની જમણીબાજુ ઊભી રાખવામાં આવી હતી. તો કાળા રંગની કાર નંબર જીજેઓઆઇ ડબ્લ્યુઆર-૬૨૫૭ ચાલક થલતેજ તરફથી આવતો હતો. એ દરમિયાન કારના ચાલકે ઊભેલી આઇસરમાં ધડાકાભેર અથડાવી દીધી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આઇસરના ચાલક સાધુરામે પોતાની વાત જણાવતા કહ્યું કે, મારી આઈસરની શુક્રવારે રાતે સવા બાર એક વાગ્યાની આસપાસ બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. જેથી મેં ત્યાં જ ગાડી મૂકી દીધી હતી. મેં ક્રેઇનને પણ ફોન કર્યો હતો પરંતુ તે કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. રિપેર કરનારા કારીગરોને પણ ફોન કર્યો હતો પરંતુ તેઓ સવારે આવશે તેમ જણાવ્યું હતું. આ ગાડી બંધ થતા મેં એક ઝાડની ડાળી રસ્તા વચ્ચે મૂકી હતી એક બે કપડા પણ લગાવ્યા હતા.

