Vadodara,તા.08
ઉનાળાના સખત તાપ, ગરમી અને હીટ વેવને લીધે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતેના ઝૂમાં પશુ પંખીઓને રાહત આપવા માટે વિશેષ કાળજી લેવાનું દર વર્ષની માફક ચાલુ કરી દેવામાં આવ્યું છે. પશુ-પક્ષીના પિંજરા ઉપર ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિવસમાં આ કામગીરી બે વખત કરવામાં આવે છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા અપાતા પાણી પુરવઠાને ધ્યાનમાં રાખીને પાણી છટકાવ કરવામાં આવે છે. ગ્રીન નેટ પિંજરાઓ ફરતે બાંધવાનું ચાલુ કરવામાં આવ્યું છે, અને ગ્રીન નેટના શેડ પણ બાંધવામાં આવશે. હરણના પાંજરાઓમાં સ્પ્રિન્કલર્સ બે ચાર દિવસમાં ફિટ કરી દેવાશે. જેથી હરણોને પાણીનો છંટકાવ સતત થતો રહે. આ સિઝનમાં પશુ પક્ષીઓને ડિહાઇડ્રેશનની તકલીફ ન થાય તેને ધ્યાનમાં રાખીને શક્કરટેટી, તડબૂચ, શેરડી, દ્રાક્ષ, કાકડી વગેરે ખાસ આપવામાં આવે છે. પાણીમાં મલ્ટી વિટામિન સપ્લીમેન્ટ અને ઇલેક્ટ્રોલાઇટ પાવડર પણ ભેળવીને આપવામાં આવે છે. દીપડા, સિંહ, વાંદરા વગેરેને બરફના પીસ કરીને આપવાનું એકાદ અઠવાડિયામાં શરૂ કરાશે. જેથી તેઓ બરફ ચાટતા રહે અને તેના લીધે ઠંડક પણ મળતી રહે. ગરમી સામે પશુ પંખીઓ અને રક્ષણ આપવાની આ વ્યવસ્થા વરસાદની સિઝન શરૂ ન થાય ત્યાં સુધી રાખવામાં આવશે. ગરમીમાં શક્તિ મળી રહે તે માટે ડાયટ સપ્લીમેન્ટ પર વિશેષ ધ્યાન અપાય છે. હાલ પ્રાણીસંગ્રહાલયમાં ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ નથી. ટ્રોપિકલ કન્ટ્રીમાં વસવાટ કરતા પ્રાણીઓ વધુ છે, એટલે ઠંડા પ્રદેશના પ્રાણીઓ જેટલી કાળજી લેવાની જરૂર રહેતી નથી. અગાઉ પ્રાણીસંગ્રહાલયમાં હિમાલયા રીંછ હતું, ત્યારે તેના માટે ઠંડક અને બરફની વિશેષ વ્યવસ્થા કરવી પડતી હતી. આ રીંછ બે વર્ષ અગાઉ ઉંમર થતાં મૃત્યુ પામ્યું છે. વાઘ પાણીના હોજમાં પડીને ઠંડક મેળવતો રહે છે. કમાટીબાગના ઝુમાં 1290 પશુ-પક્ષીઓ અને સરીસૃપો છે.