Gondal. તા.14
ગોંડલ તાલુકા પોલીસ મથકમાં માથા ભટકારનાર શખ્સ સામે ફરજમાં રૂકાવટ કરી આપઘાતનો પ્રયાસ કર્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભોજપરામાંથી પકડાયેલ દારૂના ગુનાના આરોપીને મળવા આવેલ બુટલેગર અજીતસિંહ ઝાલાએ નશાની હાલતમાં બઘડાટી બોલાવી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ અને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા દ્વારા દારૂ તથા જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત-નાબુદ કરવાની આપેલ સુચનાથી ગોંડલ તાલુકા પીઆઈ એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ગઈ તા.10/08/2025 ના તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભોજપરા ગામની હદમાં, ક્રીષ્ના ફર્નિચર પાછળ, બંધ ગોડાઉનમાંથી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી, દસ આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા. જે આરોપીઓ પૈકી ચાર આરોપીઓના 04 દિવસના રીમાન્ડ મેળવી લોકઅપમાં રાખવામાં આવેલ છે.
આ દરમ્યાન ગઈકાલે સાંજના સમયે એક શખ્સ નશાની હાલતમાં પોલીસ સ્ટેશન આવેલ અને દારૂના ગુનાના કામે લોકઅપમાં રહેલ આરોપીને મળવાની કોશીશ કરતા મહિલા પોલીસે તેમને અટકાવેલ અને નામ સરનામું પુછેલ તો તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે ગેરવર્તુણક કરવા લાગેલ હતો. તે શખ્સ નશાની હાલતમાં હોવાથી પોલીસ દ્વારા તેના વિરૂધ્ધ પ્રોહીબીશનનો કેસ કરવાની કાર્યવાહી કરતા, પોતે પોલીસ કેસથી બચવાના હેતુથી તથા પોલીસ પોતાની માથે કોઈ કાર્યવાહી ના કરે અને જવા દે તેવા હેતુથી દીવાલ સાથે પોતાનું માથુ અથડાવીને પોતાની જાતને ઈજા કરેલ હતી.
જે બાદ પીઆઇ એ.ડી.પરમાર અને ટીમે આરોપી અજીતસિંહ પુનસિંહ ઝાલા (ઉ.વ.35, રહે-સ્ટેશન પ્લોટ વિસ્તાર, ગોંડલ) વિરૂધ્ધ પ્રોહીબીશન તેમજ રાજ્યસેવકની કાયદેસરની ફરજ અટકાવવાના ઈરાદે કોઈ શખ્સ મરી જવાની ધમકી આપે અથવા પોતાની જાતને ઈજા પહોંચાડે તેવુ કૃત્ય કરે તે હેઠળ પણ બીએનએસની કલમ 226 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.-
હવે સરકારી કર્મીની ફરજમાં રૂકાવટ કરી આપઘાતનો પ્રયાસ કર્યો તો પણ જેલમાં જશો
પોલીસે પ્રજાજોગ સંદેશ આપી જણાવ્યું હતું કે કોઈપણ જાહેર વ્યકિત, જાહેર જગ્યા પર સરકારી કચેરી કે અન્ય જગ્યાએ સરકારી કર્મીની ફરજમાં રૂકાવટની કરી પોતાની જાતને ઈજા પહોંચાડી મરી જવાની ધમકી આપે તેના વિરૂદ્ધ આકરી કલમ હેઠળ કાર્યવાહી થશે.

