Jamnagar તા.22
જામનગર જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં ગણેશચતુર્થી તથા નેશનલ સ્પોર્ટ્સ ડે ને અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કમીશ્નરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-2025 નું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં જામનગર સહીત 29 જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ 5(પાંચ) આશ્વાસન પુરસ્કારોની પસંદગી કરી તેઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
રાજ્યનાં 29 જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી 1 થી 3 ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.3લાખ, તૃતીય ક્રમે વિજેતાને રૂ.1લાખ 50 હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.1લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છુક જામનગરના લોકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળે, રૂમ નં.42, જામનગર ખાતેથી ફોર્મ મેળવી તા.28/08/2025 બપોરે 12:00 કલાક સુધીમાં પરત કરવાના રહેશે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.27-8-2025 થી તા.7-9-2025 સુધી શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.
જેમાં શહેરના પ્લોટ નં.98, હોટલ વિશાલ ઈન્ટરનેશનલ પાછળ તથા સરદાર રિવેરા, રણજીતસાગર રોડ લાલપુર બાયપાસ પાસે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. લોકોએ આ વિસર્જન કુંડમાં જ મૂર્તિઓ વિસર્જિત કરવા તથા માત્ર ઇકોફ્રેન્ડલી જ મૂર્તિઓની પૂજા કરવા કમિશ્રર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત જામનગરમાં આયોજિત કાર્યક્રમો અંગે કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગરમાં તા.29 થી તા.31 ત્રણ દિવસ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.29 ના રોજ શાળા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે.
તા.30 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા અલગ-અલગ કચેરીઓની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાર્ટર, ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર ખાતે કરવામાં આવ્યું છે. તથા તા.31 ઓગસ્ટના રોજ જામનગર શહેરમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર કેતન ઠક્કરે શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની પૂજા કરવા તથા તા.29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત જામનગરમાં આયોજિત સાયક્લોથોનમાં સહભાગી થવા જામનગરવાસીઓને અપીલ કરી હતી.
આ પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી.એન ખેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા તથા પ્રેસ મીડિયાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.