રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડિલ માટે બન્ને દેશો વચ્ચે કૃષિ સહિતના કેટલાક ક્ષેત્રો મામલે સહમતી ન હોવાના અને આ ડિલ પાર પડશે કે નહિ એની અનિશ્ચિતતાને લઈ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. ટ્રમ્પની ટ્રેડ ડિલ કેવી હશે અને ભારત પર ૨૬% જેટલી ટેરિફ લાદવામાં આવી શકે છે એવા અહેવાલ વચ્ચે અનિશ્ચિતતા અને ઈરાને તેના ત્રણ પરમાણું મથકો પર અમેરિકાએ નષ્ટ કર્યાના દાવાના ફગાવી દેતાં અને ઈરાન ટૂંક સમયમાં ન્યુક્લિયર બોમ્બ બનાવી લેશે એવા અહેવાલોએ ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ જોખમો અને બજેટ બિલથી અમેરિકન અર્થતંત્રમાં અનિશ્ચિતતા ઊભી થતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ઓપેક તથા સાથી દેશોની ૬ જુલાઈની મળી રહેલી બેઠકમાં ઓગસ્ટ માસમાં ઉત્પાદન વધારવાની જાહેરાત પૂર્વે ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આંતરરાષ્ટ્રીય વેચાણમાં જોરદાર વધારાને પરિણામે દેશની જૂનની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી દસ મહિનાની ટોચે રહી છે. પ્રવૃત્તિમાં વધારો થતાં રોજગાર નિર્માણ પણ હકારાત્મક રહ્યું હતું. એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેકસજે મે માસમાં ૫૮.૮૦ રહ્યો હતો તે જૂનમાં વધી ૬૦.૪૦ જોવા મળ્યો છે. નવા બિઝનેસ ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારાને કારણે પીએમઆઈ ઊંચો રહ્યો છે. સેવા પૂરી પાડતી કંપનીઓને સ્થાનિક સ્થળે ઉપરાંત વિદેશમાંથી ઓર્ડરમાં વધારો થયો છે. સ્થાનિક સરખામણીએ વિદેશમાંથી ઓર્ડરની માત્રા ધીમી રહી છે. કંપનીઓના માર્જિનમાં સુધારો જોવાયો છે કારણ કે સેવા પેટેના દરની સરખામણીએ કાચા માલના ખર્ચમાં નીચી વૃદ્ધિ થઈ છે એમ પીએમઆઈ માટેના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
ઓગસ્ટ, ૨૦૨૪ બાદ જૂનમાં નવા ઓર્ડર્સમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. નિકાસ ઓર્ડર્સમાં એશિયા, મધ્ય પૂર્વ તથા અમેરિકાની બજારોમાંથી માંગમાં વધારો જોવા મળ્યો છે. સેવા માટેની માગમાં વધારો થતા સેવા ક્ષેત્રમાં જૂનમાં સતત ૩૭માં મહિને રોજગારમાં વૃદ્ધિ જોવા મળી છે. આગામી એક વર્ષ માટેના વેપાર માટેની અપેક્ષા જળવાઈ રહી છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે મેમાં ૫૯.૩૦ હતો તે જૂનમાં વધી ૬૧ સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨૬૭૩.૯૧ કરોડની ખરીદી તેમજ ૦૩ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૧૪૦.૮૨ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી તેમજ ૦૩ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૦૧૨.૯૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ૯૦ દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં આઠ જુલાઈના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અમેરિકાએ ભારત પર ૨૬% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં નવ જુલાઈ સુધી મુક્તિ આપવામાં આવી છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી છે. ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યો હોવાના સંકેતો અનેક વખત મળી ચૂક્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે મુખ્યત્વે કૃષિ, ઓટોમોબાઈલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને શ્રમજીવી પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રો પર ડીલ થશે. અમેરિકાને કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સમાં ડ્યૂટીમાં રાહત આપવાથી ભારત માટે પડકારો ઉભા થયા છે.
ભારતે મુક્ત વેપાર કરારમાં ડેરી ક્ષેત્રે અત્યારસુધી કોઈ કરાર કર્યા નથી. જેથી આ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય અમેરિકા ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઈલ્સ ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો, વાઈન, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ, ડેરી અને કૃષિ પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની ઈચ્છા ધરાવે છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્સ, કપડાં, પ્લાસ્ટિક, કેમિકલ્સ અને તેલિબિયાં સહિતની પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની માંગ કરી છે. ઉપરાંત, આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા છે, જો કે હજુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરુરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)અદાણી પોર્ટ (૧૪૩૦) : પોર્ટ એન્ડ પોર્ટ સવિસ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૩૯૩ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૩૮૩ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૪૫૩ થી રૂા.૧૪૬૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૪૭૪ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)ગોદરેજ કન્ઝયુમર (૧૨૦૬) : ગોદરેજ ગુ્રપના આ સ્ટોક રૂા.૧૧૮૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૧૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૨૨૩ થી રૂા.૧૨૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઉંજઠ સ્ટીલ (૧૦૪૦) : રૂા.૧૦૦૮નો પ્રથમ તેમજ રૂા.૯૯૩ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૦૬૩ થી રૂા.૧૦૭૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪) ઇન્ફોસિસ લિમિટેડ (૧૬૪૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ-સોફટવેર અને કન્સલ્ટિંગ સેકટર નો આ સ્ટોક રૂા.૧૬૭૬ આસપાસ વેચવાલી થકી રૂા.૧૬૨૬ થી રૂા.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૬૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ) ICICI બેન્ક (૧૪૪૮) : રૂા.૧૪૭૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૪૮૦ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૪૨૪ થી રૂા.૧૪૦૮ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)ભારત ફોર્જ (૧૩૨૦) : ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૩૬૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૨૯૩ થી રૂા.૧૨૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)રેપ્કો હોમ ફાઇનાન્સ (૪૨૯) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૯૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૮૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૪૭ થી રૂા.૪૫૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)રેલટેલ કોર્પોરેશન (૪૧૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૯૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૪૩૪ થી રૂા.૪૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)જીઇ પાવર ઇન્ડિયા (૩૦૭) : રૂા.૨૯૩ નો પ્રથમ તેમજ રૂા.૨૮૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૨૩ થી રૂા.૩૩૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)પેટ્રોનેટ એલએનજી (૨૯૮) : એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા૩૦૯. થી રૂા.૩૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૯૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)ડીબી કોર્પ (૨૬૬) : રૂા.૨૪૭ નો પ્રથમ તેમજ રૂા.૨૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૮૩ થી રૂા.૨૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૫૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૪૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૬૭ થી રૂા.૧૭૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)રાષ્ટ્રિય કેમિકલ્સ (૧૫૬) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૩૪ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૬૪ થી રૂા.૧૭૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)યુનિયન બેન્ક (૧૫૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ પબ્લિક બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૧૩૭ આસપાસ રોકાણકારે રૂા.૧૬૩ થી રૂા.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૩૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ઇમામી પેપર મિલ્સ (૯૮) : પેપર અને પેપર પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૦૮ થી રૂા.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૯૦ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)ઓસવાલ એગ્રો મિલ્સ (૮૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુટર સેકટરના આ સ્ટોકને રૂા.૮૦ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવા-લાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૪થી રૂા.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ (૬૭) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૦ નો પ્રથમ તેમજ રૂા.૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! અધર બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૭૩ થી રૂા.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)સાંઘી ઇન્ડસ્ટ્રીઝ (૬૬) : રૂા. ૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૭૩ થી રૂા.૭૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!
વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ માસમાં સંસ્થાકીય રોકાણકારોનું રૂ.૩.૫ લાખ કરોડનું રોકાણ…!!
ભૌગોલિક રાજકીય તણાવ અને વેપાર અનિશ્ચિતતા વચ્ચે બજારમાં ઉથલપાથલ હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એ વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ભારતીય શેરબજારમાં રૂ.૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના રોકાણમાં અસ્થિરતા હોવા છતાં, બજારોને સ્થાનિક રોકાણકારો તરફથી મદદ મળી હતી. ડેટા દર્શાવે છે કે ઋઈંઈં એ પ્રથમ છ મહિનામાં કુલ રૂ.૧.૩ લાખ કરોડના શેર વેચ્યા, જે વર્ષ ૨૦૨૨ પછીનું તેમનું સૌથી મોટું વેચાણ છે. જ્યારે નાના રોકાણકારોએ ૬ મહિનામાં રૂ.૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા હતા.
બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સંસ્થાઓના ઇક્વિટી ફાળવણીમાં સ્થિરતા હતી. તેનું મુખ્ય કારણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) દ્વારા રિટેલ ભાગીદારીમાં વધારો છે. ઉપરાંત, કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં મિડ અને સ્મોલકેપ શેરના ભાવમાં ઘટાડાને કારણે ખરીદીમાં વધારો થયો છે. મે મહિનામાં માસિક સિપ રોકાણ વધીને રૂ.૨૬,૬૮૮ કરોડ થયું હતું, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૮%નો વધારો દર્શાવે છે. ડેટા અનુસાર, શેરબજારમાં સીધા રોકાણ કરનારા નાના રોકાણકારોએ ૬ મહિનામાં રૂ.૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા હતા.
નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૬.૬% વધીને ૨૫૨૦૦ પોઈન્ટ પર પહોંચ્યો જ્યારે ૩૦ શેરનો સેન્સેક્સ પ્રથમ અર્ધવાર્ષિકમાં ૫.૭%ના વધારા સાથે ૮૨૬૦૦ પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. આ વર્ષે સ્થાનિક ભંડોળ રોકાણમાં મજબૂતી ત્યારે શરૂ થઈ જ્યારે ચીનના વધતા આકર્ષણ અને સ્થાનિક શેરમાં ઊંચા ભાવ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં રેકોર્ડ વિદેશી રોકાણકારોનો ઉપાડ જોવા મળ્યો હતો. બાદમાં, યુએસ પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિઓએ વૈશ્વિક સપ્લાય ચેઇનને જોખમમાં મૂકતી હોવાથી શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.
ભારત અને પાકિસ્તાન લગભગ યુદ્ધની ધાર પર હતા. પાછળથી, ઈરાન અને ઇઝરાયલના હુમલાઓને કારણે પશ્ચિમ એશિયામાં વધતા તણાવથી બજારો હચમચી ગયા અને અમેરિકા પણ તેમાં કૂદી પડયું હતું. આ બધા વચ્ચે, વૈશ્વિક રોકાણકારો બજારથી અંતર જાળવી રહ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ વિશ્વાસ જાળવી રાખ્યો હતો.
મજબૂત મેક્રો ઇકોનોમિક વાતાવરણે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભાવનાને મજબૂત બનાવવામાં મદદ કરી છે. સિપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે રોકાણકારોની જાગૃતિ વધી છે. વૈશ્વિક ભંડોળ ઉભરતા બજારોમાં ત્યારે જ રોકાણ કરે છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ યોગ્ય હોય. જો આમ ન હોય, તો તેઓ સલામત આશ્રયસ્થાનો અથવા વિકસિત બજારોમાં રોકાણ રાખવાનો પ્રયાસ કરે છે.
એપ્રિલ – મે માસમાં ચીન તથા જાપાન ખાતેથી સ્ટીલની આયાતમાં મોટો ઘટાડો…!!
વિશ્વમાં ભારત કાચા સ્ટીલનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-મેમાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની એકંદર આયાત ૯ લાખ ટન રહી છે. ચીન ખાતેથી આયાતમાં ૪૭.૭૦ ટકાનો ધરખમ ઘટાડો થયો છે જ્યારે જાપાન ખાતેથી સ્ટીલ આયાતમાં વાર્ષિક ધોરણે ૬૫.૬૦%નું જંગી ગાબડુ પડયું છે. ચીન ખાતેથી બે લાખ ટન જ્યારે જાપાન ખાતેથી એક લાખ ટન આયાત થઈ છે. દેશના સ્ટીલ ઉદ્યોગ માટે એકર રાહતના સમાચાર કહી શકાય એવા વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં દેશની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે ૨૭.૬૦% ઘટી છે. ચીન તથા જાપાન ખાતેથી નિકાસમાં ઘટાડો થતા ભારતની આયાત નીચી જોવા મળી હોવાનું પ્રારંભિક સરકારી ડેટા જણાવે છે.
વર્તમાન વર્ષના એપ્રિલમાં ભારતે ચોક્કસ પ્રકારના સ્ટીલ પર ૧૨%ની સેફગાર્ડ ડયૂટી લાગુ કરી છે. ચીન ખાતેથી સસ્તા સ્ટીલની આયાતને રોકવા આ ડયૂટી લાગુ કરવામાં આવી છે. એપ્રિલ-મેમાં દક્ષિણ કોરિઆ ખાતેથી ફિનિશ્ડ સ્ટીલની આયાત ૮.૨૦% વધી ૪ લાખ ટન રહી છે એમ પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. ભારતની સ્ટીલ આયાતમાં ચીન, જાપાન તથા દક્ષિણ કોરિઆનો હિસ્સો ૭૪.૪૦% રહ્યો છે. એચઆર કોઈલ અથવા સ્ટ્રીપ્સ ભારતની સૌથી મોટી આયાત છે. આયાતની સાથોસાથ દેશની સ્ટીલ નિકાસમાં પણ એપ્રિલ-મેમાં ૧૮.૧૦% ઘટાડો થયો છે. સ્ટીલ નિકાસ આંક ૮ લાખ ટન રહ્યો હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. ભારતની સ્ટીલ નિકાસમાં સૌથી વધુ હિસ્સો કોરૂગેટેડ શીટસ અથવા કોઈલ્સનો રહ્યો છે. ૧.૫૦ લાખ ટન સાથે બેલ્જિયમ ભારતની સૌથી મોટી સ્ટીલ નિકાસ બજાર રહી છે. દરમિયાન એપ્રિલ-મેમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૨.૫૧ કરોડ ટન રહ્યો છે જે વાર્ષિક ધોરણે ૭.૧૦% વધુ છે. ઘરઆંગણે ક્રુડ સ્ટીલનું ઉત્પાદન ૯.૫૦% વધી ૨.૬૯ કરોડ ટન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે ૧૬% જેટલી વધી આશરે ૯૦ લાખ ટન રહી હતી. વિશ્વમાં ક્રુડ સ્ટીલના બીજા મોટા ઉત્પાદક ભારત ૨૦૨૩-૨૪માં સ્ટીલનો નેટ આયાતકાર દેશ રહ્યો હતો. ચીન, દક્ષિણ કોરિઆ તથા જાપાન ખાતેથી આયાતમાં સતત વધારાને કારણે ભારતમાં સ્ટીલની આયાત ઊંચી જોવા મળી હતી. આયાતમાં વધારાને ધ્યાનમાં રાખી ૨૦૦ દિવસ માટે ૧૨% સેફ ગાર્ડ ડયૂટી લાગુ કરવામાં આવી છે.
સરકારી વીમા કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટાડવાની યોજના…!!
સરકાર ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવી સામાન્ય વીમા કંપનીઓમાં ઓછામાં ઓછો અડધો હિસ્સો ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય સેબીના ફરજિયાત લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન કરવા માટે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ બે સરકારી વીમા કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે.
હાલમાં, સરકાર પાસે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં ૮૫.૪૪% હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સમાં ૮૨.૪% હિસ્સો છે. સેબીએ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ સહિત તમામ લિસ્ટેડ કંપનીઓને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, ૧૯૫૭ ના નિયમ ૧૯છ અને સેબી (કઘઉછ) રેગ્યુલેશન્સના નિયમ ૩૮ હેઠળ ૨૫%નું લઘુત્તમ જાહેર શેરહોલિં્ડગ જાળવવાનો નિર્દેશ આપ્યો છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકારે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં ૧૦.૪૪% હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સમાં ૭.૪% હિસ્સો વેચવો પડશે.
સરકાર તબક્કાવાર રીતે હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. ઉદાહરણ તરીકે, જનરલ ઇન્શ્યોરન્સ માટે લક્ષ્ય લગભગ ૩.૫% હિસ્સો વેચવાનું છે. પરંતુ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ માટે, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં લગભગ ૫% હિસ્સો વેચાશે. સરકાર, વીમા કંપનીઓ સાથે મળીને સંભવિત રોકાણકારોને આકર્ષવા માટે ટૂંક સમયમાં નવા રોડ શો શરૂ કરશે. આ બંને વીમા કંપનીઓ માટે વર્તમાન સમયમર્યાદા ઓગસ્ટ ૨૦૨૬ છે.