Mumbai,તા.24
ઈરાન-ઈઝરાયેલ વચ્ચેનુ યુદ્ધવિરામ ચોવીસ કલાકમાં લાગુ થઈ જવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણાથી નાણાબજારોમાં જબરી ઉથલપાથલ સર્જાઈ હતી. શેરબજારમાં જોરદાર તેજી થઈ હતી જયારે સોનુ, ચાંદી, ક્રુડમાં ગાબડા પડયા હતા. ડોલર સામે રૂપિયા પણ ઉંચકાયો હતો.
ઈઝરાયેલ-ઈરાન વચ્ચે 12 દિવસથી ચાલતા યુદ્ધમાં સમજુતી થયાનુ અને ચોવીસ કલાકમાં તે લાગુ થઈ જવાની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. આ દાવાને ઈરાને ફગાવ્યો હતો છતાં ટ્રમ્પના નિવેદન પર વધુ ભરોસો મુકવામાં આવ્યો હોય તેમ માર્કેટમાં અફડાતફડી મચી હતી.
દુનિયાભરના શેરબજારો તેજીમાં ઝુમી ઉઠયા હતા. એશિયન માર્કેટ બે-બે ટકા ઉંચકાયા હતા. ભારતીય બજારમાં પણ તેજીનો ધમધમાટ હતો. યુદ્ધ ખત્મ થવાના સંજોગોમાં ક્રુડ સહિતની સપ્લાયમાં અવરોધનો ખતરો ટળી જવાનો આશાવાદ તથા બધુ નોર્મલ બની જવાના આશાવાદથી સાર્વત્રિક ધૂમ લેવાલી નિકળી હતી અને તમામ શેરો ઉંચકાયા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુદ્ધ મોરચે કાંઈ નવુ ન થાય અને વિરામ લાગુ થવાના સંજોગોમાં માર્કેટ ફરી તેજીના ઝોનમાં આવી શકે છે.
શેરબજારમાં આજે એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, અદાણી પોર્ટ, જીયો ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ ઉંચકાયા હતા. એનટીપીસી, ઓએનજીસી, ભારત ઈલે, ઈન્ડુસઈન્ડ બેંક જેવા કેટલાંક શેરો નબળા હતા.
મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 748 પોઈન્ટના ઉછાળાથી 82645 સાંપડયો હતો તે ઉંચામાં 82835 તથા નીચામાં 82360 સાંપડયો હતો. નિફટી 221 પોઈન્ટના ઉછાળાથી 25196 હતો. બીજી તરફ ડોલર સામે રૂપિયામાં પણ જોરદાર ઉછાળો હતો અને 56 પૈસા ઉંચકાઈને 86.19 હતો.
સોના-ચાંદી-ક્રુડમાં ગાબડા હતા. કોમોડિટી એકસચેંજમાં ક્રુડ 291 રૂપિયા ગગડીને 5755 હતુ. સોનુ 1250 રૂપિયાના કડાકાથી 98135 તથા ચાંદી 600 રૂપિયા ઘટીને 106170 હતી.