Ahmedabad,તા.૨૫
‘સ્વચ્છતા એ જ સંકલ્પ, વિદ્યાર્થી સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ સફાઈકાર્યમાં શ્રમદાન કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને સૌને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને કાર્યકારી કુલસચિવ પિયુષ પટેલ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પોતાના ઉદબોધનમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને સ્વચ્છતાને સ્વભાવ બનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે આપણે સૌએ આપણા ઘરથી શરૂઆત કરીને આપણા શેરી, મહોલ્લા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવાની નેમ લેવી જોઈએ.
પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે તેનું સ્મરણ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગરીબો અને અંત્યોદયના વિકાસ માટે તથા સમાજસેવા માટે સતત પ્રયાસરત રહ્યા હતા. સેવા પખવાડીયા અને તેમની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઋષિકેશ પટેલે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા, સ્વદેશી અને સ્વચ્છતાના સંસ્કારોને આપણે સૌએ અપનાવવા જોઈએ. દેશને આઝાદી અપાવનારા આ જીવનમૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આપણે પર્યાવરણ સંરક્ષણ માટે ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત અભિયાન અને ઔદ્યોગિક વિકાસ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી મુહીમથી સતત વિકાસ પથ પર આગળ વધી રહ્યા છીએ. સેવા પખવાડિયા અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન, આરોગ્ય ચકાસણી સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકાર અને પ્રજાજનો એક સાથે સહભાગી બનશે.
સેવા, સ્વચ્છતા, સ્વદેશી, પર્યાવરણ સંરક્ષણ તથા જળ સંરક્ષણને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા મંત્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના મહામૂલા યોગદાનનું સ્મરણ કરતા સૌને આવકાર્યા હતા તથા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને કર્મચારીગણે મહાશ્રમદાન અંતર્ગત સફાઈકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.