Vadodaraતા.19
જરોદ નજીક ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી વૃદ્ધાનું મોત નીપજાવનાર ચેન સ્નેચરોને વડોદરા એલસીબીની ટીમને સફળતા મળતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે.આરોપીઓએ બાઈક ચોરી રાજકોટ હાઇવે ઉપર બાવળા નજીક બે વ્યક્તિઓ પાસેથી તથા ધ્રાંગધ્રા હાઈવે ઉપર માળીયા બ્રિજ નજીક ત્રણ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન આંચકી લીધા હતા. આણંદ એક બહેનના ગળામાંથી સોનાની ચેન, સાણંદ ખાતે બાઈક ઉપર જતા એક વ્યક્તિના ગળામાંથી સોનાની ચેન, અમદાવાદ હાથીજણ સર્કલ નજીક બાઈક સવાર યુવકના ગળામાંથી સોનાની ચેન, મધ્યપ્રદેશના કુકશી ખાતેથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેન અને મધ્યપ્રદેશના કુકશીથી પરત ફરતા રસ્તામાં ચાર વ્યક્તિઓ પાસેથી મોબાઇલ ફોન આંચકી લીધા હતા.
5 એપ્રિલના રોજ જરોદ નજીક રાહકુઈ ગામે રાજેન્દ્રપ્રસાદ બાબુભાઇ આઠીયા (70) કે નિષ્કલંકી નારાયણના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે ફળીયામાં રહેતા તેમના ભાભી નર્મદાબેન નવીનચન્દ્ર પટેલ પણ મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી નજીકના રસુલાબાદ ગામે બેંકમાં જવા નીકળ્યા હતા. દરમિયાન ગામની સીમમાં અચાનક નર્મદાબેનના ગળામાંથી રૂ.70 હજારની કિંમત ધરાવતી સોનાની ચેન અજાણ્યા બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઈક ઉપર તોડીને રસુલાબાદ તરફ નાસી છૂટ્યા હતા. આ સમયે નર્મદાબેન રોડ ઉપર પટકાતા તેમને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિમલ સતીશચંદ્ર અગ્રાવત તથા રોનક મુકેશભાઈ મારુ (બને રહે -રાજકોટ) માંડવી તાલુકાના મોટી મઉ ગામે રોકાયા છે.જેના આધારે પોલીસે બંને આરોપીઓને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ.1.20 લાખ, રૂ.75000 ની કિંમત ધરાવતી સોનાની ચેન, અલગ અલગ કંપનીના 7 મોબાઇલ ફોન, બાઈક સહિત કુલ રૂ. 4.02 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે