Ahmedabad,તા.૨૨
આ જુલાઈ મહિનાની શરૂઆતમાં ચર્ચામાં આવેલ ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા તથા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની કેસ મામલે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે, જેથી તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી માટે ૫ ઓગસ્ટ, ૨૦૨૫ની તારીખ નિશ્ચિત કરી છે.
૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ ડેડીયાપાડામાં તાલુકા સંકલનની બેઠક દરમિયાન ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને આપ ધારાસભ્ય વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ ચૈતર વસાવા પર આરોપ લાગ્યો કે, ’તેમણે સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંક્યો હતો.’ જેથી સંજય વસાવાની ફરિયાદને આધારે, પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.
આ કેસમાં ચૈતર વસાવાને સૌપ્રથમ રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ સમયે ચૈતર વસાવાના વકીલ અને ગોપાલ ઈટાલિયાને પોલીસે રોકતા પોલીસ અને વકીલ વચ્ચે તુતુમેમે સર્જાઈ હતી. જેથી કોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને રાજકારણ પણ ગરમાયું હતું. દરમિયાન ચૈતર વસાવાની જામીન અરજી પણ રાજપીપળા કોર્ટે ફગાવી દીધી હતી અને પોલીસ દ્વારા માંગવામાં આવેલા ૫ દિવસના રિમાન્ડને પણ નકારી કાઢ્યા હતા. આ પછી, આખો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે.
આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પરની સુનાવણી ચાલી રહી હતી, જેને હાલ આગામી ૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી સ્થગિત રાખવામાં આવી છે, જેથી તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. ત્યારે આગામી સુનાવણી માટે ચૈતર વસાવાના વકીલે પણ હાઈકોર્ટમાં જામીન માટે પૂરેપૂરો પ્રયાસ કરવાની વાત કહી છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ ચૈતર વસાવા પર અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયેલા છે. વન અધિકારીને ધમકાવવા અને ખંડણી વસૂલવામાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત, ભરૂચના અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્રમાં બોઈલર બ્લાસ્ટની ઘટના બાદ ઔદ્યોગિક એકમમાં અનધિકૃત પ્રવેશ અને અધિકારીઓને ફરજ બજાવતા અટકાવવાના આરોપોમાં પણ તેમની ધરપકડ થઈ હતી. ત્યારે હાલ તેમનો ત્રીજો જેલવાસ ચાલી રહ્યો છે.
તાજેતરના કેસમાં રાજકીય ગરમાયું છે અને આપના નેતાઓએ ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ આગામી ૨૪ જુલાઈએ રોજ મોડાસામાં “ખેડૂત-પશુપાલક મહાપંચાયત”નું આયોજન થવાનું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. ત્યારે ચૈતર વસાવાનો મુદ્દો પણ ચર્ચાશે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.