Chennai, તા.1
પંજાબ કિંગ્સના યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક બાદ શ્રેયસ અય્યર અને પ્રભાસિમરનની અડધી સદીએ ચેન્નાઈને હરાવ્યું હતું. આ સાથે બુધવારે પંજાબે ચાર વિકેટથી મેચ જીતીને IPL માં ચેન્નાઈની આશા લગભગ ખતમ કરી નાખી. ચહલે તેની બીજી આઈપીએલ હેટ્રિક લીધી, જે સિઝનની તેની પ્રથમ છે.
ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સનો છ વર્ષનો અજેય રન ચાલુ રહ્યો. ચેન્નાઈએ આ સિઝનમાં બીજી વખત પરાજયની હેટ્રિક નોંધાવી છે. પહેલા રમતા ચેન્નાઈએ સેમ કુરાનના તોફાની 88 રનને કારણે 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને પંજાબ કિંગ્સે 19.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
એક સમયે ચેન્નાઈની ટીમ 200 રનને પાર કરતી જોવા મળી રહી હતી. પરંતુ યુઝવેન્દ્ર ચહલે 19મી ઓવરમાં ચાર વિકેટ લઈને ચેન્નાઈની આશા પર પાણી ફરી વળ્યું હતું.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 41 બોલમાં 72 રનની ઈનિંગ રમી અને ટીમને જીતની ઉંચાઈ પર લઈ ગઈ. આ પહેલા ઓપનર પ્રભસિમરન સિંહ (54)એ પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે પ્રિયાંશ આર્ય સાથે પ્રથમ વિકેટ માટે 44 રન જોડ્યા હતા.
પ્રિયાંશને ખલીલ અહેમદ એ વિકેટ પાછળ ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી રમવા આવેલા અય્યરે પ્રભાસિમરન સાથે 72 રનની ઝડપી ભાગીદારી કરી હતી. અહીં મેચ ચેન્નાઈના હાથમાંથી નીકળી ગઈ હતી.
આ પહેલા પંજાબે ટોસ જીતીને ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તેની ત્રણ વિકેટ માત્ર 48 રનના સ્કોર પર પડી હતી. પરંતુ બાદમાં સેમ કુરેને ડેવાલ્ડ બ્રુઈસ (32) સાથે 50 બોલમાં 78 રન જોડીને ટીમની કમાન સંભાળી હતી.
ઇનિંગ્સની 16મી ઓવર સુધી ચેન્નાઈનો રન રેટ 9 રન પ્રતિ ઓવરની આસપાસ હતો. કુરનની આક્રમક બેટિંગે અર્શદીપ સિંહને પણ દબાણમાં મૂક્યો હતો. અર્શદીપને એક ઓવરમાં આઠ બોલ નાખવા પડ્યા હતા. કુરન આખરે 18મી ઓવરમાં માર્કો યાનસેનના શોર્ટ બોલ પર આઉટ થયો હતો.
ચહલનો કહેર
કુરાનના આઉટ થયા બાદ યુઝવેન્દ્ર ચહલે પંજાબ માટે તબાહી મચાવી હતી. આ મેચમાં તે અંત સુધી વિકેટ વગરનો રહ્યો હતો. પરંતુ 19મી ઓવરમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. જેમાં હેટ્રિક પણ સામેલ હતી. એમએસ ધોની (11) ચહલની ઓવરના બીજા બોલ પર કેચ આઉટ થયો હતો. ત્યારપછી ચોથા બોલ પર દીપક હુડા (2) બેકવર્ડ પોઈન્ટ તરફ બોલ રમ્યો, જ્યાં તે કેચ થયો.
તેના પછીના જ બોલ પર ઈમ્પેક્ટ પ્લેયર અંશુલ કંબોજ (0)ને ચહલે બોલ્ડ કર્યો હતો. ચહલને હેટ્રિકની તક મળી હતી. પાંચમા બોલ પર નૂર અહેમદ (0)એ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ગયો અને લોંગ-ઓન પર યાનસેનના હાથે કેચ થયો.