ચેન્નઈએ ગુજરાતને જીત માટે ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો : ગુજરાતની ટીમ ૧૪૭ રન બનાવીને ઓલ આઉટ
Ahmedabad, તા.૨૫
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ની મેચ નંબર ૬૭માં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે શાનદાર જીત નોંધાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ ગુજરાતને જીત માટે ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટારગેટનો પીછો કરતા ગુજરાતની ટીમ ૧૪૭ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ચેન્નઈ સુપર કિંગ્સે મેચમાં ૮૩ રને ભવ્ય જીત મેળવી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં જ શુભમન ગિલ, જોસ બટલર અને રધરફોર્ડની વિકેટ ગુમાવી દીધી હતી. ૩૦ રનો પર ૩ વિકેટ પડ્યાં પછી સાઈ સુદર્શન અને શાહરૂખ ખાને ચોથી વિકેટ માટે ૫૫ રનની પાર્ટનરશીપ કરી ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે રવીન્દ્ર જાડેજાએ એક જ ઓવરમાં બંનેને પેવેલિયન મોકલી દીધા હતા. ટીમ માટે સુદર્શને સૌથી વધુ ૪૧ રન બનાવ્યાં હતા. અહીંથી ગુજરાત ટાઈટન્સની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.
ચેન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ૫ વિકેટના નુકસાને ૨૩૦ રન બનાવ્યાં હતા. ચેન્નઈની શરૂઆત સારી રહી હતી. ૧૭ વર્ષના આયુષ મ્હાત્રે ડેવોન કોન્વે વચ્ચે ૪૪ રનની પાર્ટનરશીપ થઈ હતી. આયુષ ૩૪ રન બનાવીને પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર થયો હતો. ત્યાર બાદ કોન્વે અને ઉર્વિલ પટેલ વચ્ચે બીજી વિકેટ માટે ૬૩ રનની પાર્ટનરશીપ થઈ હતી. ઉર્વિલ ૧૯ બોલમાં ૩૭ બનાવીને આઉટ થયો હતો. શિવમ દુબે ૧૭ રન બનાવીને ચાલતો થયો. શિવમ દુબે બાદ કોન્વે પણ ૫૨ રન બનાવીને આઉટ થયો હતો.