Ahmedabad,તા.૨૨
રાજ્યના વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા તેમને ગંભીર માંદગીના કપરા સમયે કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તેવી માનવીય સંવેદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે દર્શાવી છે.
આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં રૂ.૫ કરોડ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે જે જોગવાઇ કરવામાં આવે છે તે મુજબ આવી રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રીઓને વેલ્ફેર ફંડમાંથી મૃત્યુસહાય તેમજ માંદગીસહાયની રકમો ચુકવવામાં મદદરૂપ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૫-૨૬ના બજેટની જોગવાઈ અનુસાર રૂ. પાંચ કરોડની રકમનો આ ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જે. જે. પટેલને કાયદા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જે. જે. પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગોના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રતિબદ્ધ છે તે માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જિલ્લા પ્રતિનિધિઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વકીલો-ધારાશાસ્ત્રીઓના આરોગ્યની ચિંતા કરવા સાથે મૃત્યુ સહાય દ્વારા વકીલોના પરિવારજનોની પડખે ઊભા રહેવાના અપનાવેલા અભિગમ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ન્યાયતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવનારા અભિન્ન અંગ સમાન વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલ્ફેર ફંડમાંથી ગંભીર બીમારીની સારવાર અને મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને મૃત્યુ સહાય આપવામાં આવે છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલ્ફેર ફંડમાં ૫૨,૫૯૩ વકીલો સભ્ય તરીકે નોંધાયેલા છે અને અંદાજે ૩,૦૦૦ વકીલોને માંદગી સહાય આ ફંડમાંથી અપાઈ છે. તાજેતરમાં ૨૭ વકીલોને રૂ. ૩૭ લાખની સહાય ચૂકવાઇ છે. કાર્યકારી કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને કાયદા વિભાગના અધિકારીઓ આ ચેક અર્પણ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.