Gandhinagar તા.4
ભાજપના રાષ્ટ્રીયથી લઈ ગુજરાતના સંગઠન મુદ્દે ગત સપ્તાહે અચાનક જ શરૂ થયેલી બેઠકોના દોર વચ્ચે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિલ્હી મુલાકાતે હવે ગુજરાત ભાજપમાં નિર્ણાયક રીતે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળની પુર્નરચના મુદે પ્રગતિ શરૂ થઈ ગઈ છે તેવા સંકેત છે.
આજે જ ગુજરાત ભાજપ તેના નવા પ્રદેશ પ્રમુખની નિયુકિત અંગે સતાવાર રીતે જાહેરાત કરે છે અને સંભવિત શેડયુલની પણ જાહેરાત કરી શકે છે. જોકે ઉચ્ચ વર્તુળો મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને કર્ટસી મુલાકાત તરીકે દર્શાવી રહ્યા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યસ્ત શેડયુલ વચ્ચે પણ ઓચીંતી મુખ્યમંત્રી સાથેની મુલાકાત ફકત કર્ટસી ન હોય તે નિશ્ચિત છે અને ભાજપના એક ટોચના પદાધિકારીએ જણાવ્યું કે પક્ષના નવા પ્રદેશ પ્રમુખની વરણી મુદે સંપૂર્ણપણે લોકશાહી પધ્ધતિથી ગુજરાતમાં આજે સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે.
જેમાં પ્રદેશ પ્રમુખ માટે નામાંકન અથવા તો જેઓને દાવેદારી કરવી હોય તેઓને આગળ આવવા જણાવશે અને આ સપ્તાહ દરમીયાન જ પક્ષના ચૂંટણી અધિકારી તરીકે નિયુકત થયેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવી રહ્યા છે અને એક સપ્તાહમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે. 2023માં પાટીલની મુદત પૂરી થયા બાદ તેમને વર્કીંગ પ્રદેશ પ્રમુખ તરીકે સતત યથાવત રખાયા છે.
પરંતુ હવે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે અને તે જોતા જ હવે પક્ષ માટે નવું સંગઠન માળખુ રચવું જરૂરી છે જેમાં હવે પ્રદેશ પ્રમુખ નિયુકત થયા બાદ તેમની નવી ટીમ તથા જીલ્લા અને મહાનગર કક્ષાએ પણ હાલ નિયુકત થઈ ગયા છે તે પછી તેમની ટીમને પણ નવા પ્રદેશ પ્રમુખ નિયુકત કરશે.
બીજી તરફ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતે મંત્રીમંડળની પુર્નરચનાની ચર્ચાએ પણ જોર પકડયું છે ખાસ કરીને જે રીતે કેટલાક સમયથી રાજયમાં ખરાબ રસ્તા સહિતના મુદે સરકારને ભીંસમાં મુકવા વિપક્ષો પ્રયત્ન કરી રહ્યા છે અને કોંગ્રેસનું સંગઠન માળખુ તેમજ આમ આદમી પાર્ટી પણ રાજયમાં જોર લગાવી રહી છે તેથી ભાજપને હવે સરકાર પક્ષે પણ વધુ સાવધ થવું તેવા સંકેત છે. જો કે તે સપ્ટેમ્બર માસમાં થાય કે ઓગષ્ટ માસમાં પૂરી કરી દેવાય તે અંગે નિર્ણય લઈને આગળ વધાશે.
સીએમનાં આજના જાહેર મુલાકાતના કાર્યક્રમો રદ્દ: કોઈ સંકેત!
ગુજરાતમાં શરૂ થયેલી ચર્ચાઓ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાહેર મુલાકાતના તમામ કાર્યક્રમો રદ થયા છે. તેઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવાયું છે. સામાન્ય રીતે સોમવારે મુખ્યમંત્રી ગાંધીનગરમાં ધારાસભ્યો, સાંસદો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભાજપના પદાધિકારીઓને મળે છે પરંતુ આજે તેમનો કાર્યક્રમ રદ કરાયો છે.
તો બીજી તરફ મુખ્યમંત્રી સાથે શનિવારે દિલ્હી મુલાકાતમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા હતા અને તેઓ અલગથી રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેવા પણ અહેવાલ છે.