બાળકને મજૂરીએ રાખી તનતોડ મહેનત કરાવનાર ઠેકેદારની ધરપકડ
Jetpur,તા.23
જેતપુરના ગોડાઉનમાં દરોડો પાડી એએચટીયુ શાખાની ટીમે બાળ શ્રમિકને મુક્ત કરાવી ઠેકેદાર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મામલામાં રાજકોટ રૂરલ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કળોતરાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ છાગાભાઈ નામના શખ્સનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.૨૨/૦૮/૨૦૨૫ ના રોજ હું તથા એ.એચ.ટી.યુ. શાખાના પીઆઈ, મહીલા કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન 11:30 વાગ્યે ખાનગી હકિકત મળેલ કે કામઘેનુ ટેક્ષટાઈલ પાછળના ગોડાઉનમાં બાળકો પાસે બાળમજુરી કરાવાઈ રહી છે. જેથી તાત્કાલિક વિગતની ખરાઈ કરી રાહદારી પંચોને સાથે રાખી કામઘેનુ ટેક્ષટાઈલ પાછળ સીલીકેટ ગોડાઉનમાં દરોડો પાડતા એક 17 વર્ષીય સગીર પાસે મજૂરી કરાવાતી હોવાનું સામે આવ્યું હતું. જેથી બાળ કિશોરની પૂછપરછ કરતા તેને ઠેકેદાર જયદીપ છાગાભાઈ (ઉ.વ.૨૫ રહે.પેઢલા,જેતપુર)એ મજૂરીએ રાખ્યાનું જણાવ્યું હતું. બાળ શ્રમિક પાસે સવારના આઠ વાગ્યાંથી સાંજના પાંચ વાગ્યાં સુધી એમ આઠ કલાકથી વધુ સમય સુધી મજૂરી કરાવવામાં આવતી હતી તેવું સામે આવ્યું હતું.
એએચટીયુ શાખાએ બાળ શ્રમિકને મુક્ત કરાવી તેના પરિજનોને સોંપી બાળકનું શોષણ કરનાર ઠેકેદાર જયદીપ છાગાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.