China,તા.07
ચીનનાં વિદેશ મંત્રાલયે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. સરકારી અખબારે લખ્યું છે કે આ તકને વેડફવી ન જોઈએ. અખબારે દ્વિપક્ષીય મતભેદો પ્રત્યે વ્યવહારિક અભિગમ અપનાવવાની વાત કરી હતી. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સહિત ઘણાં દેશો પર ભારે ટેરિફ લાદવાનું વચન આપ્યું છે. હવે ચીન ભારે અમેરિકન ટેરિફના જોખમનો સામનો કરી રહ્યું છે.
ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે “અમે અમેરિકન લોકોની પસંદગીનું સન્માન કરીએ છીએ.અમે રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપીએ છીએ. “
ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ કમલા હેરિસ સામે શાનદાર જીત નોંધાવી હતી. તેઓ બીજી વખત અમેરિકાનાં રાષ્ટ્રપતિ બન્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે ચીન-અમેરિકાના સંબંધો ઘણાં સમયથી તંગ છે. અમેરિકા અને ચીન તાઈવાન અને દક્ષિણ ચીન સાગર, વેપાર અને સુરક્ષા મુદ્દાઓ પર મતભેદ છે.
બીજી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પાછલાં કાર્યકાળની અધૂરી યોજનાઓ ચાલુ રાખી શકે છે. તે અગાઉનાં કાર્યકાળની નીતિઓને આગળ ધપાવી શકે છે. જો આમ થશે તો ચીનની મુશ્કેલીઓ વધવાની છે. હકીકતમાં, ગત ટર્મમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું. ચીનને ભારે યુએસ ટેરિફનો સામનો કરવો પડ્યો.
ચીનનાં અખબાર ચાઈના ડેઈલીએ બુધવારે તેનાં સંપાદકીયમાં ટ્રમ્પનાં બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળને ચીન-યુએસ સંબંધોમાં સંભવિત નવી શરૂઆત તરીકે રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે આ તકને વેડફી ન શકાય. ચાઇના ડેઇલીએ જણાવ્યું હતું કે આગામી યુએસ વહીવટીતંત્ર મતભેદોને સંભાળવા માટે ચીન સાથે સંવાદ અને સંચારને મજબૂત કરી શકે છે.
ચાઈના ડેઈલીએ કહ્યું કે ચીન પ્રત્યે અમેરિકાની નીતિઓ અને ગેરમાન્યતાઓએ સંબંધો માટે મહત્વપૂર્ણ પડકારો રજૂ કર્યા છે. વૈશ્વિક પડકારોની જટિલતાઓનો સામનો કરવા માટે દ્વિપક્ષીય સંબંધો પ્રત્યે વ્યવહારિક અભિગમ અપનાવવો જરૂરી છે. અખબારે કહ્યું કે ચીન અને અમેરિકા વચ્ચેનાં સંબંધોને યોગ્ય રીતે સંભાળવા પડશે. આનાથી માત્ર બંને દેશોનાં સામાન્ય હિતોનું જ નહીં પરંતુ વિશ્વમાં વધુ નિશ્ચિતતા અને સ્થિરતા પણ આવશે.