ચીને મેગ્નેટની નિકાસ અટકાવતાં અમેરિકાએ બોઈંગના પાટ્ર્સ આપ્યા નહીં અને ૨૦૦ પ્લેન ખોટકાયા
Washington , તા.૨૭
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફનું હથિયાર ઉગામવાની ચીમકી આપી છે. હાલ તો અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિ થયેલી છે, પરંતુ ચીન દ્વારા અર્થ મેગ્નેટની નિકાસ અટકાવવાનો પ્રયાસ થાય તો તેના પર ૨૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પે ચીમકી આપી છે. આ સાથે ટ્રમ્પે દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચેની મિત્રતા સંધિને રદ કરવામાં પણ કોઈ પાછી પાની નહીં કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. સાઉથ કોરિયન પ્રમુખ લી જે મીયુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચીનને ઝુકાવ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. સાઉથ કોરિયામાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન કરતાં અમેરિકાનો હાથ ઉપર છે. ચીને અમેરિકાને મેગ્નેટ આપવાનું બંધ કર્યું હતું. જવાબમાં અમેરિકાએ બોઈંગ વિમાનના પાટ્ર્સ ચીન જતાં અટકાવ્યા હતા, જેના કારણે ૨૦૦ વિમાન ઊડાન ભરી શક્યા ન હતા. ટ્રમ્પનો આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે બોઈંગ પાસેથી ૫૦૦ એરક્રાફ્ટ ખરીદવા ચીન વાટાઘાટો કરી રહ્યું છે. ટ્રેડ નેગોશિએશનમાં એરોસ્પેસની ડીલના કારણે અમેરિકાનું વલણ નરમ થવાની સંભાવનાને પણ ટ્રમ્પે આ સાથે રદિયો આપ્યો હતો. ટ્રમ્પના આ પગલા બાદ ચીન ઝુક્યું હોવાનો ખુલાસો કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ત્યારબાદ ચીને અમેરિકાને મેગ્નેટની નિકાસ શરૂ કરી હતી. મે મહિનાની સરખામણીએ ચીને અમેરિકામાં ૬૬૦ ટકા વધુ મેગ્નેટની નિકાસ કરી હતી અને જુલાઈમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દુર્લભ ખનીજ મેગન્ટેના ઉત્પાદનમાં ચીન મોખરે છે. સમગ્ર વિશ્વનું ૯૦ ટકા મેગ્નેટ એકલા ચીનમાંથી મળે છે. ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ અને રીન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં આ મેગ્નેટનો ઉપયોગ કર્યો છે.બેઈજિંગ સ્થિત થીન્ક ટેન્ક સેન્ટર ફોર ચાઈના એન્ડ ગ્લોબલાઈઝેશનના પ્રેસિડેન્ટ-એનાલિસ્ટ હેનરી વાંગે ટ્રમ્પની આ ટિપ્પણીને જૂઠ્ઠાણુ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ ટેરિફની ધમકી દર વખતે આપે છે અને તેનો ઉપયોગ દંડ તરીકે કરી રહ્યા છે. જો કે ટ્રમ્પની ઉશ્કેરણીમાં આપણે ફસાવું જોઈએ નહીં. વર્તમાન ટ્રેડ ડીલને અમલી બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. તેનાથી બંને દેશને લાભ થશે.