Ahmedabad,તા.૮
સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને અમદાવાદના રિલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં વિવિધ બેન્ક એકાઉન્ટનો ગેરકાયદે ઉપયોગ કરી નાણાંની હેરાફેરી કરાતી હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે રિલીફ આર્કેડ રિલીફ રોડ પર દરોડો પાડ્યો હતો. તપાસમાં સલીમ એહેમદ મનસુરી, મોહસીનખાન મુસ્તાકખાન પઠાણ અને મોહમંદ ફારૂક ઈકબાલ પટણી દુકાનો ભાડે રાખીને પોતાની દુકાનોમાં જુદી જુદી બેન્કોના એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
ઉપરાંત અહીંથી બિલ વગરના શંકાસ્પદ મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે ઉપરોકત શખ્સોની દુકાનોમાંથી અલગ અલગ બેન્કોના ૨૩૬ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, વિવિધ બેન્કની સાત ચેકબુક, અલગ અલગ બેન્કોના ૧૨ પીએસઓ મશીન, એક લેપટોપ, એક ટેબ્લેટ અને ૪૬ મોબાઈલ મળીને કુલ રૂ.૧૭,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો., આ અંગે અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. તે સિવાય કબજે કરાયેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા પીએસઓ મશીનની માહિતી સંબંધિત બેન્કોમાંથી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.