Rajkot, તા.9
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસનો રાજકોટથી પ્રારંભ કરનાર છે. રાષ્ટ્રપતિ મુર્મુ આજનું રાત્રી રોકાણ રાજકોટમાં જ કરનાર હોય રાષ્ટ્રપતિના મુર્મુના આગમનને વધાવવા માટે સર્કીટ હાઉસે સોળે શણગાર સજી દીધા છે. સર્કીટ હાઉસ તેમજ તેના કેમ્પસમાં કમાન્ડો અને પોલીસ ફોર્સના જવાનો તૈનાત કરી સુરક્ષા વ્યવસ્થા સજજડ બનાવી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સર્કીટ હાઉસના રૂમ નં.1માં રાત્રી રોકાણ કરનાર છે. સર્કીટ હાઉસમાં લાલજાજમ પાથરવામાં આવી છે તેમજ સર્કીટ હાઉસની ઈમારતને રંગરોગાન કરી રીનોવેટ કરવામાં આવી છે.
આ ઉપરાંત દિવાલોને ફુલોનો શણગાર કરવામાં આવેલ છે. તેમજ સર્કીટ હાઉસના પરિસરમાં રાષ્ટ્રપતિ મુર્મુને આવકારવા માટે વિશાળ ગુલદસ્તો શોભાયમાન કરી દેવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ 40 ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચનાર હોય વહીવટી તંત્ર દ્વારા તેમના આગમનને વધાવવા માટે સજજ બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જેમાં સર્કીટ હાઉસના મેદાનનું પણ પેચવર્ક કામ કરાયું છે. સર્કીટ હાઉસના તમામ રૂમો રાષ્ટ્રપતિ અને તેમના અધિકારીઓ માટે તમામ રૂમ બુક અગાઉથી જ કરી દેવામાં આવેલ છે.
રાષ્ટ્રપતિ મુર્મુ સર્કીટ હાઉસમાં આવતીકાલે સવારના 10-30 કલાક સુધી રાત્રી રોકાણ કરનાર છે રાષ્ટ્રપતિના આગમનને લઈને સીવીલ હોસ્પીટલમાં પણ ખાસ તબીબી ટીમ સાથે વિશેષ વોર્ડ તૈયાર રાખવામાં આવેલ છે. આ ઉપરાંત સર્કીટ હાઉસની આખી ઈમારતને રોશનીનો શણગાર કરી ઝળહળતી કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તે માટે જીલ્લા કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવાઈ રહી છે. જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા આજે રાષ્ટ્રપતિ મુર્મુ જયાં આજનું રાત્રી રોકાણ કરનાર છે તે સર્કીટ હાઉસ ઉપરાંત હિરાસર એરપોર્ટ ખાતે તાલુકા મામલતદાર, નાયબ મામલતદારો, ડે.કલેકટરો અને પ્રાંત અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. કલેકટર કચેરીના તમામ અધિકારીઓને પ્રોટોકોલની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ મુર્મુ આજ સાંજના સાડા પાંચ કલાકે એરફોર્સના ખાસ વિમાનમાં રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરનાર હોય હિરાસર એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી રાષ્ટ્રપતિ મુર્મુનું વિશેષ સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગે એરપોર્ટ ખાતે રાજયના મંત્રી મુળુભાઈ બેરા, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ, પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.