Chinaતા.૮
ચીનની સરકારે તેના દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ૭૦ થી વધુ દેશોના નાગરિકોને ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ચીને તેની વિઝા નીતિમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા છે અને હવે ૭૪ દેશોના નાગરિકો ૩૦ દિવસ સુધી વિઝા વિના ચીનમાં રહી શકે છે. ચીનના અગાઉના નિયમોની તુલનામાં આ એક મોટો ફેરફાર છે. ચીન સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા, અર્થતંત્રને વેગ આપવા અને તેની સોફ્ટ પાવર વધારવા માટે લોકોને વિઝા-મુક્ત પ્રવેશ આપી રહી છે.
વર્ષ ૨૦૨૪ માં, લગભગ બે કરોડ પ્રવાસીઓ વિઝા વિના ચીનમાં પ્રવેશ્યા. આ ભૂતકાળની તુલનામાં ચીન પહોંચેલા પ્રવાસીઓની કુલ સંખ્યાના અડધાથી વધુ છે. વિઝા-મુક્ત પ્રવેશ અંગે, પ્રવાસીઓ કહે છે કે આનાથી તેમને વિઝા માટે અરજી કરવાની તણાવપૂર્ણ પ્રક્રિયામાંથી રાહત મળે છે. ૨૦૨૩ ની શરૂઆતમાં, કોરોના રોગચાળા પછી, ચીને ફરીથી લોકો માટે તેની સરહદો ખોલી, પરંતુ તે વર્ષે ફક્ત ૧.૩ કરોડ પ્રવાસીઓ ચીન પહોંચ્યા. વર્ષ ૨૦૧૯ માં, ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ ચીન પહોંચ્યા. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના પ્રતિબંધોની ચીનમાં પર્યટન પર પ્રતિકૂળ અસર પડી હતી. આ જ કારણ છે કે ચીને પ્રવાસન ક્ષેત્રને પાટા પર લાવવા માટે યુરોપ, એશિયા, લેટિન અમેરિકા અને પશ્ચિમ એશિયાના ઘણા દેશોના લોકોને વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા આપી છે.
ડિસેમ્બર ૨૦૨૩માં ચીને ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને નેધરલેન્ડ, સ્પેન, મલેશિયાના નાગરિકોને ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી. હવે આ સુવિધા તમામ યુરોપિયન દેશોના નાગરિકોને આપવામાં આવી છે. પાંચ લેટિન અમેરિકન દેશો અને ઉઝબેકિસ્તાનના નાગરિકોને ગયા મહિને જ ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ મળ્યો હતો. આ પછી, પશ્ચિમ એશિયાના ચાર દેશો પણ ઉમેરવામાં આવ્યા. હવે ૧૬ જુલાઈથી, અઝરબૈજાનના નાગરિકોને પણ ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ મળશે, જેનાથી કુલ દેશોની સંખ્યા ૭૫ થઈ જશે. આમાંથી બે તૃતીયાંશ દેશોને હાલમાં એક વર્ષ માટે ટ્રાયલ માટે વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જો બધું બરાબર રહ્યું, તો તેને લંબાવી શકાય છે.