Jamnagar,તા.21
જામનગર જીલ્લો સરહદી જીલ્લો હોવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં આવેલ ૨૭ બટાલીયન ગુજરાત એનસીસી ખાતે છેલ્લા બે દિવસથી એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સેલ્ફ ડીફેન્સ તાલીમ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે.
જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરે એનસીસી કેડેટ્સને આપવામાં આવી રહેલ તાલીમમાં ઉપસ્થિત રહી તેઓનો ઉત્સાહ વધારી કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જીલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જીલ્લાના નાગરિકો ખાસ કરીને યુવાઓને સિવિલ ડીફેન્સ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. તથા નાગરિકોને મદદ મળી રહે તે માટે એનસીસી કેડેટ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે.જેમાં બચાવ, રેસ્ક્યુ, ફાયર, પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તા.૨૧મે ના રોજ કાલાવડ તાલુકામાં સેલ્ફ ડીફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોએ આપતકાલીન પરિસ્થિતિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે જીલ્લા પ્રસાશન દ્વારા આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે.
આ તાલીમમાં નાયબ નિયંત્રકશ્રી વી.કે.ઉપાધ્યાય, પી.આઈ.શ્રી એમ.વી.ખીલેરી, અધિકારીશ્રીઓ, એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.