Karachi, તા.15
પાકિસ્તાન તથા અફઘાનીસ્તાનમાં તાલીબાન સેના વચ્ચે ફરી જોરદાર ઘર્ષણ સર્જાયુ હતુ જેમાં વ્યાપક જાનખુવારી-નુકશાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ માંડ શાંત થયુ છે તેવા સમયે પાકિસ્તાન અને તાલીબાનો વચ્ચે એકાદ સપ્તાહથી સર્જાયેલો તનાવ નવા સંઘર્ષ ભણી ઈશારો કરી રહ્યું છે.
ગત સપ્તાહમાં એકબીજા પર એટેક બાદ ગઈ રાત્રે ફરી ઘર્ષણ થયુ હતુ. ખૈબર પખ્તુનખ્વામાં સીમા પર બન્ને દેશોના સૈનિકો બાખડયા હતા. પાકિસ્તાન તરફથી એવો દાવો કરાયો હતો કે અફઘાની સૈન્યએ સરહદે ગોળીબાર કરીને ઉશ્કેરણી કરી હતી અને પછી તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો. આ ઘર્ષણ દરમ્યાન તાલીબાનની અનેક ચોકીઓ તથા ટેન્ક નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પાકિસ્તાને અફઘાની ક્ષેત્રોમાં એર સ્ટ્રાઈક કરી હતી જે પછી તાલીબાન શાસકોએ બદલો લેવા વળતો પ્રહાર કર્યો હતો તેમાં 23 પાક સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વળતા હુમલામાં 200થી વધુ તાલીબાન તથા તેની સાથે જોડાયેલા ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાનનો આક્ષેપ છે કે, તહરિક-એ-તાલીબાન સંગઠન પાકિસ્તાનમાં આતંકી હુમલા કરે છે અને અફઘાનના તાલીબાન શશાસકો તેને આશ્રય આપે છે. બન્ને દેશોને શાંતિ જાળવવા સાઉદી અરેબીયા-કતાર જેવા દેશોએ અપીલ કરી હતી અને ત્યારપછી ત્રણેક દિવસ શાંતિ રહ્યા બાદ ગઈરાત્રે ફરી લડાઈ ફાટી નીકળી હતી.