Dehradun તા.16
અહીના જાણીતા સહસ્ત્રધારામાં મોડી રાત્રે વાદળ ફાટવાથી તબાહી મચી છે. અનેક દુકાનો પાણીમાં તણાઈ ગઈ છે. જો કે જિલ્લા પ્રશાસને સ્થાનિક લોકોને સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડી દેવાયા છે. આ ઉપરાંત રેસ્કયુનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં બે લોકો લાપતા છે.
ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે જિલ્લા મેજીસ્ટ્રેટના આદેશ મુજબ દહેરાદૂનમાં ધો.1થી12 સુધીની બધી સ્કુલો હાલ બંધ કરાઈ છે. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટવીટ કર્યું હતું કે, દહેરાદૂનમાં સહસ્ત્રધારામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદના કારણે કેટલીક દુકાનો ક્ષતિગ્રસ્ત બની છે. જિલ્લા પ્રશાસન, એસડીઆરએફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે તેમજ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.
ભારે વરસાદના કારણે તમસા નદી બે કાંઠે છે અને ટપકેશ્વર મહાદેવ મંદિર જલમગ્ન થઈ ગયું છે. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે સવારે 5 વાગ્યાથી જ નદીમાં જોરદાર વહેણ શરૂ થઈ ગયું હતું. પુરું મંદિર જલમગ્ન થઈ ગયું હતું. જો કે મંદિરનું ગર્ભગૃહ સુરક્ષિત છે. હજુ સુધી જાન-માલને નુકસાનના કોઈ ખબર નથી.
ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે તે સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દહેરાદૂનના સહસ્ત્રધારામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદથી કેટલીક દુકાનો નુકસાનગ્રસ્ત થઈ છે.
જિલ્લા પ્રશાસન, એસડીઆરએફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવના કામમાં લાગ્યા છે. આ બારામાં સ્થાનિક પ્રશાસનના સતત સંપર્કમાં છું અને વ્યક્તિગત રીતે પણ નજર રાખી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે, ઉતરાખંડમાં વાદળ ફાટવાની અનેક ઘટનાઓ બની છે. ગઈકાલે મોડીરાત્રે વધુ એક ઘટના બની હતી. જો કે જાનમાલને મોટા નુકસાનના હાલ કોઈ ખબર નથી.