New Delhi,તા.14
દેશમાં હિમાચલથી મહારાષ્ટ્ર સુધી ચોમાસાના વરસાદનુ જોર વધ્યુ હોય તેમ અનેક રાજયોમાં ભારે વરસાદ ખાબકયો હતો. હિમાચલમાં ફરી પાંચ સ્થળોએ વાદળ ફાટતા તારાજી સર્જાઈ હતી. ઉતરપ્રદેશ, બિહાર, દિલ્હી, મુંબઈ, ઉતરાખંડ સહિતના રાજયોમાં આફતનો વરસાદ રહ્યો હતો.
બંગાળની ખાડીમાં ઉદભવેલા લો-પ્રેસર તથા સંલગ્ન સિસ્ટમથી દેશના અનેક રાજયોમાં વરસાદી જોર વધી ગયો છે. છેલ્લા કેટલાંક દિવસોથી મેઘકહેરનો સામનો કરી રહેલા હિમાચલપ્રદેશમાં ફરી વખત પાંચ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી.
શ્રીખંડના ભીમડવારી તથા નંતી, કિન્નોરના પૂહ, લાહોલના મયાડ તથા કુલ્લુમાં તીર્થન પાર્ટીમાં વાદળ ફાટવાના બનાવ બન્યા હતા તેને પગલે કેટલાંક ભાગોમાં પૂર પરીસ્થિતિ સર્જાવા સાથે વ્યાપક નુકશાન થયુ હતુ.
ભીમડવારી તથા નંતીમાં કેટલાંક શેડ તણાઈ ગયા હતા. એક પુલને નુકશાન થયુ હતું. પોલીસ સ્ટેશનમાં પાણી ઘુસ્યા હતા. બજારો ડુબી જતા ખાલી કરાવવામાં આવી હતી.
કુલ્લુની તીર્થન ઘાટીમાં પુરની હાલત વચ્ચે પાંચ કાર તથા ચાર કોલેજ તણાઈ ગયા હતા. લાહોલના મયાડમાં 22 પરિવારોનુ સ્થળાંતર કરાવાયુ હતું. પુહમાં વાદળ ફાટતા માર્ગ બનાવની કંપનીની મશીનરી તણાઈ હતી.
ફસાયેલા પાંચ લોકોને રેસ્કયુ કરવા ઓપરેશન હાથ ધરાયુ હતું. રાજયમાં ભારે વરસાદ તથા ભૂસ્ખલનના ઘટનાક્રમ વચ્ચે બે નેશનલ હાઈવે સહિત 313 માર્ગો બંધ કરાયા હતા. બે પુલ પણ તૂયી ગયા હતા. રાજયભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં અત્યારસુધીમાં 241 લોકોના મોત નિપજયા હતા.
ઉતરાખંડમાં પણ ભારે વરસાદનુ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અનેક જીલ્લામાં સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીમાં વ્હેલી સવારથી ભારે વરસાદ ખાબકયો હતો. ઠેકઠેકાણે જળબંબાકારની સ્થિતિથી ટ્રાફિક પ્રભાવિત થયો હતો. કાલે આઝાદી દિવસની ઉજવણીમાં પણ વરસાદી અવરોધની આગાહી છે.
બિહારમાં ભારે વરસાદ વચ્ચે પુરની સ્થિતિ છે. ગંગાતટના 10 જીલ્લાના 25 લાખ લોકો પ્રભાવ બન્યા છે. ગોપાલપુરમાં નાના ડેમ તૂટી જતા ડઝનબંધ મકાનો પાણીમાં તણાઈ ગયા હતા અને 3400 લોકો બેઘર બન્યા હતા. પાંચ લોકોના મોત નિપજયા હતા. આ પંથકમાં હાલત ચિંતાજનક-ગંભીર ગણાવવામાં આવી છે.
ઉતરપ્રદેશમાં લખનૌ, આગ્રા, અયોધ્યા, બસ્તી સહિતના ભાગોમાં ભારે વરસાદ વચ્ચે 20 જીલ્લાઓમાં પુર સકટ સર્જાયુ છે. પાટનગર દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યુ હતું.
મહારાષ્ટ્રમાં પાટનગર મુંબઈમાં સવારથી ભારે વરસાદ વચ્ચે પરાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની હાલત સર્જાઈ હતી.