Dehradun તા.29
ઉતર ભારતનાં પર્વતીય રાજયોમાં વરસાદી કહેર વચ્ચે વાદળ ફાટવાનો સિલસિલો જારી હોય તેમ આજે ઉતરાખંડમાં ફરી વાદળ ફાટવાની ઘટનાઓથી પુરસ્થિતિ સર્જાઈ હતી. મકાનો-દુકાનો-વાહનો તણાયા આ ઉપરાંત કેટલાંક લોકો પણ લાપતા બન્યા હતા.
ઉતરાખંડમાં ટિહરી જીલ્લામાં અનરાધારે વરસાદે તબાહી સર્જી હતી. ગેંવાલીમાં વાદળ ફાટતા પર્વતોનો કાટમાળ મકાનોમાં ઘસી આવતા ભારે નુકશાન થયુ હતું બે લોકો લાપતા બન્યા હતા અને બે ઘાયલ થયા હતા.રેસ્કયુ ઓપરેશન માટે બચાવ ટીમોને મોકલવામાં આવી હતી. ભારે વરસાદથી કાલેશ્વર પર પર્વતનો કાટમાળ ખાબકયો હતો અને મકાનોમાં પહોંચ્યો હતો.
આ સિવાય રૂદ્રપ્રયાસ તથા ચમોલી જીલ્લામાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં કેટલાક મકાનો તથા પરિવારો તણાઈ જતા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કેટલાંક પશુઓ પણ દટાયા હતા.
ભારે વરસાદને કારણ અલકનંદા તથા મંદાકીની નદીના જળસ્તરમાં પણ વધારો થયો હતો. કેદારનાથમાં એક પુલ તણાઈ ગયો હતો.નદીના પાણી મકાનોમાં ઘુસતા સ્થળાંતર કરાવાયું હતું રૂદ્રપ્રયાગનું હનુમાન મંદિર પાણીમાં ડુબી ગયુ હતું.
રાજયના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે વાદળ ફાટવાની ઘટનાથી દુખ છે. યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું.ભારે વરસાદને કારણે રૂદ્રપ્રયાસ, બાગેશ્વર, ચમોલી, હરિદ્વાર, પિથોરગઢની શૈક્ષણીક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.