Srinagar,તા.26
દેશના હિમાચલ ક્ષેત્રમાં વાદળો ફાટવાની સતત બની રહેલી ઘટનાઓમાં તબાહી વધી રહી છે તે સમયે આજે કાશ્મીરના ડોડો તથા કિશ્તવાડામાં વાદળ ફાટતા જ ઉંચાઈવાળા ક્ષેત્રોમાં 10થી વધુ ઘરો ભારે વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
જેમાં ચાર લોકો માર્યા ગયા હોવાનું અને અનેક લાપતા બન્યા છે. રાજયના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ છે અને માતા વૈષ્ણોદેવી યાત્રા પર પણ ભારે વરસાદની અસર છે તે સમયે ડોડામાં વાદળ ફાટતા જ ભારે વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં 10થી વધુ ઘરો તણાઈ ગયા હતા.
અહીની નદીઓમાં પાણી ભરાતા આસપાસના ક્ષેત્રોમાં નદીના પાણી ઘુસી ગયા હતા અને પાણીના પ્રવાહમાં તણાતા 4 લોકોના મૃતદેહ મળ્યા છે. જયારે અન્ય કેટલાક ઘાયલ હોવાના અહેવાલ છે. જીલ્લા તંત્રએ રાહત-બચાવની કામગીરી શરુ કરી છે.
તો બીજી તરફ ઉધમપુર જીલ્લામાં બસંતગઢમાં પણ વાદળો ફાટવાની ઘટનાએ અહીના એક નાળામાં ભારે પાણીના પ્રવાહમાં આઠ લોકો ફસાયા છે. પોતાના ઢોરને પાણીમાં બચાવવા જતા આ તમામ પાણીના પ્રવાહમાં ફસાયા હતા જેને બચાવવાની કામગીરી ચાલુ છે અને એનડીઆરએફની ટીમને પણ જવાબદારી સુપ્રત થઈ છે.