Junagadh, તા.28
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યાં છે.
મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી બનતી ત્વરાએ પહોંચશે.
એટલુ જ નહિં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસ દરમિયાન રાજ્યના બધા જિલ્લા કલેક્ટરો સાથે સંપર્ક કરીને તેમના જિલ્લામાં વરસાદી સ્થિતિ અને વાતાવરણમાં આવેલા બદલાવ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી અને સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને પણ જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટે સૂચનાઓ આપી હતી.

