New Delhi,તા.1
કર્ણાટકમાં અચાનક જ કોંગ્રેસની સિદ્ધરમૈયા સરકાર સામે સર્જાયેલી બળવા જેવી સ્થિતિ વચ્ચે હવે નેતૃત્વ પરિવર્તનની તૈયારી હોવાના સંકેત છે અને રાજયના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા બેંગ્લોર દોડી ગયા હતા અને તેઓ પક્ષના ધારાસભ્યોને મળી રહ્યા છે.
માનવામાં આવે છે કે, નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને રાજયનું સુકાન સોંપાઈ શકે છે. ત્રણ વર્ષ પછી જ કર્ણાટકમાં ચુંટણી છે તે સમયે રાજયમાં 100થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના સ્થાને ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માંગણી કરી છે.
કર્ણાટકમાં કોંગ્રેસના વિજય બાદ પણ શિવકુમાર મુખ્યમંત્રીપદ માટે દાવેદાર હતા પરંતુ તે સમયે કોંગ્રેસ મોવડીમંડળે સિદ્ધરમૈયાની તરફેણમાં વધુ ધારાસભ્યો હોવાનું જણાવીને તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જયારે એવી ફોર્મ્યુલા નકકી થઈ હોવાનું માનવામાં આવે છે કે અઢી વર્ષ બાદ શિવકુમારને મુખ્યમંત્રી બનાવાશે.
પરંતુ સિદ્ધરમૈયાએ હોદો છોડવા માટે કોઈ સંકેત ન આપતા અંતે શિવકુમારના ટેકેદાર ધારાસભ્યોએ બળવો કર્યો હોવાનું માનવામાં આવે છે અને તેના પગલે પક્ષને પ્રભારી સુરજેવાલાને દોડાવવાની ફરજ પાડી છે. હવે તે આ બળવો દાબી શકે છે કે પછી મવડીમંડળને નેતૃત્વ પરિવર્તનની ફરજ પડે છે.
તેના પર સૌની નજર છે. જો કે સિદ્ધરમૈયાના ટેકેદાર ધારાસભ્યો પણ એકત્ર થવા લાગ્યા છે અને તેથી કોંગ્રેસ મોવડીમંડળ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ છે.
માનવામાં આવે છે કે જો શિવકુમારને મુખ્યમંત્રી નહી બનાવાય તો કોંગ્રેસમાં અનેક મંત્રીઓ રાજીનામા પણ આપી શકે છે. હાલની સ્થિતિમાં 224 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસના 138 અને ભાજપ સહિત એનડીએના 81 ધારાસભ્યો છે.
કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય કટોકટી વચ્ચે કોંગ્રેસ પક્ષે રાજયમાં નેતૃત્વ પરિવર્તનની શકયતા નકારી છે અને જણાવ્યું હતું કે શિવકુમારના ટેકેદારોએ રાજયમાં અસ્થિરતા સર્જવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ શિવકુમાર કેમ્પને મનાવવા વધુને વધુ મંત્રીમંડળમાં તેમના બે કે ત્રણ સાથીદારોને સમાવી શકે છે.