Gandhinagar, તા.1
સ્કુલ કોલેજનાં વિદ્યાર્થીઓની શારીરીક-માનસીક સલામતી માટે કોચીંગ કલાસો માટે સુપ્રિમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કર્યાને પગલે હવે ગુજરાત સરકાર દ્વારા કોચીંગ કલાસોને નિયંત્રીત કરવા માટે વટહુકમ જારી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વટહુકમનો મુસદો તૈયાર કરવા માટે નિષ્ણાંતોની કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે.
રાજય સરકારનાં ટોચના સુત્રોએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય તેવી શકયતા છે. તે પૂર્વે કોચીંગ કલાસો માટે રજીસ્ટ્રેશન, સલામતી, વિદ્યાર્થીઓની સંખ્યા, અભ્યાસનાં કલાકો સહિતના નિયમનો સાથેનો વટહુકમ બહાર પાડવાનો ઈરાદો છે.
સૂચિત વટહુકમમાં કેટલાંક મહત્વના પાસાઓને આવરી લેવામાં આવશે. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા વિદ્યાર્થી દીઠ કલાસમાં ન્યુનતમ જગ્યા, અધવચ્ચેથી કલાસ છોડે તો વિદ્યાર્થીઓને રીફંડ,શિક્ષક-વિદ્યાર્થીને ફરજીયાત અઠવાડીક રજા, વિદ્યાર્થીઓની માનસીક તંદુરસ્તી, કલાસની ઈમારતનાં કમ્પલીશન સર્ટીફીકેટ તથા ફાયર સેફટીનાં સાધનો જેવા પાસાઓનો સમાવેશ થશે.
રાજય સરકારનાં સીનીયર અધિકારીએ કહ્યું કે શિક્ષણ વિભાગ રાજસ્થાન તથા અન્ય રાજયોનાં કોચીંગ કલાસોનાં નિયમોનો અભ્યાસ કરી રહ્યો છે.સુપ્રિમ કોર્ટે જારી કરેલી સુચનાનાં આધારે કેન્દ્ર સરકારે નકકી કરેલી માર્ગદર્શિકા મુજબ સુચીવ વટહુકમમાં નિયમનો નકકી કરવામાં આવશે.
રસપ્રદ વાત એ છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા તથા અન્ય કેટલાંક રાજયોએ ઘડેલા કાયદામાં કોચીંગ કલાસનાં ફી નિયમન વિશે કોઈ વાત નથી. સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોચીંગ કલાસનું સરકારમાં કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક સવા લાખથી સવા બે લાખ સુધી ફી વસુલવામાં આવે છે.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ સુચિત વટહુકમ તૈયાર કરવામાં આવે તો કોચીંગ કલાસો ધો.10 થી નીચેના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે.
ગુજરાતમાં કોચીંગ કલાસનો ડેટાબેઈઝ મેળવવા ઉપરાંત વિદ્યાર્થીઓ સુરક્ષિત અને તંદુરસ્ત માહોલમાં અભ્યાસ કરી શકે તેવો સરકારનો આશય છે. ભણતરનાં ભાર તથા વાલીઓની ઉંચી અપેક્ષામાં કારણે ટેન્શનમાં આવતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે.
તેની ગંભીર નોંધ લેવાય રહી છે.આ સિવાય સુધીમાં કોચીંગ કલાસમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ત્યારે કલાસોમાં સુરક્ષા મામલે સવાલ ઉઠયા હતો.

