Rajkot,તા.1
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મેઘરાજાએ ઘમરોળ્યા બાદ ગઇકાલથી વરસાદનું જોર સર્વત્ર હળવું થયું છે. અને વિવિધ સ્થળોએ માત્ર છુટાછવાયા ઝાંપટા વરસી રહયાં છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ઠંડાબોળ પવનના સુસવાટા ફુંકાઇ રહયાં છે.અને હજુ ચોવીસ કલાક સુધી આ ઠંડા પવનના સુસવાટા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમા ફુકાતા રહેશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમના કારણે આ ઠંડા પવનો ફુંકાઇ રહયાં છે. અને આ ઝડપી પવન હજુ ચોવીસ કલાક સુધી ફુંકાતા રહેશે. સાથો સાથ હજુ આજે રાજકોટ સહિત અનેક સ્થળોએ માત્ર છુટા છવાયા ઝાંપટા વરસે તેવી શકયતા હોવાનું હવામાન વિભાગનુ જણાવાયું છે.
આવતીકાલથી ક્રમશઃ ઉઘાડ નિકળવા માંગશે અને ફરી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે. વધુમાં હવામાન વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આજરોજ સૌરાષ્ટ્ર કચ્છના ખાસ કરીને દરીયાકાંઠા વિસ્તારોમાં પવન સામાન્ય કરતા વધુ રહેશે અને 45 થી 65 કિ.મી.ની ઝડપ સુધી પવન ફુંકાતો રહેશે.
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, આજરોજ સવારથી જ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠંડાબોળ પવનોના સુસવાટા ફુંકાઇ રહયાં છે. હવામાન વિભાગ અનુસાર બપોરે 1ઃ4પ સુધીમાં શહેરમાં સરેરાશ 25 થી 30 કી.મી.ની ઝડપે પવન ફુંકાતો રહયો હતો. અને હજુ પણ સાંજ સુધીમાં પવનની ઝડપ વધે તેવી પુરતી શકયતા છે. સાંજના સમયે છુટા છવાયા ઝાંપટા પણ વરસે તેવી શકયતા છે.