Rajkot, તા.17
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફુંકાઇ રહેલા ઉત્તર-પૂર્વનાં પવનોનાં કારણે ગઇકાલથી ઠેર ઠેર ઠંડીનો પારો ગગડવા લાગ્યો છે અને શિત લહેરો વચ્ચે ઠારનો અનુભવ થવા લાગ્યો છે. ખાસ કરીને આજરોજ સવારે નલિયા અને અમરેલી ખાતે તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. નલિયામાં ચાલુ સિઝનમાં પ્રથમવાર 10.8 ડિગ્રી અને અમરેલી ખાતે 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થવા પામેલ છે. ત્યારે અમરેલીમાં આજે સૌ પ્રથમ વખત તાપમાન 11-4 ડિગ્રી જેટલું નીચે આવી જતાં લોકોએ પ્રથમ વખત આજે ચાલું શિયાળામાં ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
આજે સવાર સવારમાં બાળકો તથા યુવાનો સ્કૂલ કોલેજ જતા હતાં ત્યારે આજની ગુલાબી ઠંડીમાં નવા નવા રંગબેરંગી ગરમ કપડાં પહેરી સ્કૂલ જવા જોતાં મળ્યા હતા. તો બીજી તરફ સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ પણ શિયાળાની પ્રથમ ઠંડીની મોજ માણતા જોવા મળ્યા હતા.
આજની તારીખે અમરેલીનું લઘુતમ 11-4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ગીરકાંઠાના ધારી ગામે 14 ડીગ્રી નોંધાયું છે. હજુ તો ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ચાલું શિયાળાનો અસલી રંગ હવે પછી જોવા મળશે.
આ ઉપરાંત આજે જામનગર અને ડિસામાં 13 તથા વડોદરા-ગાંધીનગરમાં 12 ડિગ્રી અને રાજકોટ તથા પોરબંદર શહેરમાં 14 ડિગ્રી સાથે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તથા અમદાવાદમાં 14.8, ભાવનગરમાં 15.9, ભુજમાં 15.2, દમણમાં 18.2, દિવમાં 15.6, દ્વારકામાં 19.5, કંડલામાં 16.1, સુરતમાં 19.4 અને વેરાવળમાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ઉપરાંત જામનગરમાં છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રીએ પારો ગગડતા તાપમાન 13.5 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં પણ વધારો થયો છે.શહેરીજનો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો શરૂ કરી દીધો હતો. સુસવાટા મારતા 4.6 કિમિ ઝડપે પવન ફૂંકાતા શિયાળામાં પ્રથમવાર આકરી ઠડીએ મિજાજ બતાવવાનો પ્રારંભ કરી દીધો હતો.
હવામાન વિભાગમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં ઠંડીનો ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસ તાપમાન સ્થિર થયા બાદ લઘુત્તમ તાપમાનનો પારો અડધો ડિગ્રી ગગળ્યો છે.
જેથી લઘુત્તમ તાપમાનો પારો 13.5 ડિગ્રી નોંધાયો છે. તો મહત્તમ તાપમાનનો પારો 30.8 ડિગ્રી રહ્યું છે. તો ભેજનું પ્રમાણ 55 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 4.6 કિલો મીટરની રહેવા પામી હતી.
જેથી ઠંડી ચારેક દિવસ સુધી સ્થિર રહ્યા બાદ રાત્રિના ઠંડીનો ચમકારો વધી ગયો છે અને વહેલી સવાર સુધી ઠંડીનું સામ્રરાજ્ય રહે છે. સુર્યનારાયણ પ્રગટ થતાં ઠંડીમાં ઘટાડો થવા પામે છે. જેથી દિવસ દરમિયાન ઠંડીનો ઓછી અનુભવાઈ છે. પરંતુ રાત્રિના અને વહેલી સવારમાં ઠંડી વધુ રહે છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડી ચમકારો રહે છે.

