જિલ્લાની ડીસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
Rajkot, તા.૨૦
રાજકોટ જિલ્લાની ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા વિવિધ ૫૧ પ્રશ્નો વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહના પ્રશ્નના જવાબમાં કલેકટરે તમામ સરકારી વિભાગના અધિકારીઓને તેમના વિભાગ દ્વારા થયેલા વિકાસ કામોની સંપૂર્ણ માહિતી ધારાસભ્યને પૂરી પાડવા સૂચના આપી હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની સફાઈ તથા અન્ય આનુષંગિક સેવાઓ વિશે કલેકટરે સંપૂર્ણ વિગતો મેળવી હતી અને ડીન ડો.મોનાલી માકડીયાને યોગ્ય કરવા તાકીદ કરી હતી. તમામ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરવા પણ કલેકટરે અનુરોધ કર્યો હતો.
કાર્યપાલક ઈજનેર એસ.એસ.જાનીએ જણાવ્યું હતું કે પોસ્ટ મોનસૂન સર્વેમાં ૧૭૬ જર્જરિત અને વણવપરાયેલી મિલ્કતો નિયત કરાયા છે, જે પૈકી ૭૬ બિલ્ડીંગ તોડી પડાયા છે અને બાકીના ૧૦૦ બિલ્ડીંગો કોર્ડન કરી નાગરિકોને અવરજવર ન કરવા અને સાવચેત રહેવાની સૂચના લગાવી દેવાઈ છે. સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રીવીઝનની કામગીરી નિયત સમયમાં અને અસરકારક રીતે પૂર્ણ કરવા બદલ કલેકટરે આ કાર્ય સાથે સંલગ્ન તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સરાહના કરી હતી.

