અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી
Morbi,તા.22
મોરબી જિલ્લાના હળવદ તાલુકા નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, હળવદના ચરાડવા ગામ પાસે એક પૂરપાટ આવતા ડમ્પર ટ્રકે સામેથી આવી રહેલી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જોકે, આ દુર્ઘટનામાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે પોલીસને અકસ્માતગ્રસ્ત બાઈકની નજીકથી દારૂની પોટલીઓ મળી આવી છે. આ દારૂનો જથ્થો મૃતક બાઈકચાલકનો હતો કે કેમ, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
દારૂની પોટલીઓ મળી આવતા અકસ્માત માત્ર બેફામ ડ્રાઇવિંગને કારણે થયો હતો કે પછી મૃતક નશાની હાલતમાં હતો, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ડમ્પર ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

