રાજકોટ તા. ૨૧ જુલાઈ – ભારતમાં દર વર્ષે તા. ૨૨ જુલાઈને ‘રાષ્ટ્રીય ધ્વજ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો હતો. આ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે ત્રિરંગાનો સ્વીકાર, એ સ્વતંત્ર રાષ્ટ્ર બનવા તરફની દિશામાં મહત્વપૂર્ણ પગલું હતું. ત્યારબાદ આ ધ્વજ ભારતીય પ્રજાસત્તાકનો અધિકૃત ધ્વજ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. દેશવાસીઓ રાષ્ટ્રીય ધ્વજને પ્રેમથી ‘ત્રિરંગા’ કહે છે.
રાષ્ટ્રીય સન્માન અધિનિયમ, ૧૯૭૧ અને ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ (વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨માં સુધારેલ), જે રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અને તેને લહેરાવવા વિશે જાણકારી આપે છે. આ અંગે વિગત www.mha.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. રાષ્ટ્રધ્વજને લગતા નિયમપાલન માટે ધ્વજ સંહિતાની માહિતી હોવી જોઈએ. ત્યારે ધ્વજ સંહિતા વિશે જાણીએ.
ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨માં સમાવિષ્ટ કેટલાક મુખ્ય માર્ગદર્શક મુદ્દાઓ
(૧) ધ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, ૨૦૦૨માં ૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ના આદેશ મુજબ સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિએસ્ટર ફેબ્રિક અને મશીનથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપવામાં આવી હતી. હવે જોગવાઈ એ છે કે, ભારતનો રાષ્ટ્રધ્વજ હાથથી કાંતેલા અને હાથથી વણેલા અથવા મશીનથી બનેલા કોટન / પોલિએસ્ટર / ઊન / સિલ્ક ખાદીના કાપડમાંથી બનેલો હોવો જોઈએ.
(૨) જાહેર જનતા, કોઈપણ બિન-સરકારી સંસ્થા અથવા કોઈપણ શૈક્ષણિક સંસ્થા તમામ દિવસો અને પ્રસંગો, ઔપચારિકતાઓ અથવા અન્ય પ્રસંગોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી / પ્રદર્શિત કરી શકે છે. જો કે રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માન જળવાઈ રહે, એની તકેદારી જરૂરી છે.
(૩) ધ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, ૨૦૦૨માં ૨૦મી જુલાઈ, ૨૦૨૨ના આદેશ પ્રમાણે સુધારો કરવામાં આવ્યો હતો. કાયદાના ફકરા ૨.૨ની કલમ (૧૧)ને બદલવામાં આવી હતી. જે અનુસાર “જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર જનતા દ્વારા ઘરે પ્રદર્શિત કરવામાં આવે છે, તે દિવસે અને રાત્રે લહેરાવી શકાય છે.”
(૪) રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. તે કોઈપણ કદનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈ (પહોળાઈ)નો ગુણોત્તર ૩:૨ હશે.
(૫) જ્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેની સ્થિતિ સન્માનજનક હોવી જોઈએ.
(૬) ફાટેલો કે ગંદો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત ન કરવો જોઈએ.
(૭) રાષ્ટ્રધ્વજ અન્ય કોઈ ધ્વજ સાથે અથવા તે જ ધ્વજ પોલ પરથી અડધો ધ્વજ સાથે લહેરાવવો જોઈએ નહીં.
(૮) કોડનો ભાગ-૧, બંધારણની કલમ-૯માં ઉલ્લેખિત મહાનુભાવો, જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે સિવાય કોઈપણ વાહન પર ધ્વજ ફરકાવવામાં આવશે નહીં.
(૯) રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અથવા તેનાથી ઉપર અથવા તેની સમાન અન્ય કોઈ ધ્વજ અથવા ઝંડો લહેરાવવો જોઈએ નહીં.
સંકલન : માર્ગી મહેતા