હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ. ફાગણ મહિનાનો પ્રારંભ થયો. ફાગણનું આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે,કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ આધિન છે, અને ફાગણ એટલે કે પાનખર નો અંત અને પ્રકૃતિનાં શણગાર ની શરૂઆત, એટલે સર્જનની શરૂઆત. વૃક્ષો પર કૂણી કૂણી કૂંપળો ફૂટે, કળી બેસે, અને મોર આવે. આપણે ત્યાં ફાગણ ને લઈને કેટલાય લોક ગીતો પણ છે, જેમ કે ફાગણ ફોરમતો આયો રે.. એટલે કે વાતાવરણમાં એક તન મનને પ્રસન્ન કરનારી અજબ પ્રકારની ખુશ્બુ રેલાય! ખાખરાનાં સુકાં ભટ થઈ ગયેલાં ઝાડ પર જાણે જાદું થયું હોય એમ આખું ઝાડ કેસુડે લદબદ થઈ જાય! કેસુડાનાં ફૂલનો રંગ અને સુગંધ, સૌંદર્ય માટે બહુ પ્રખ્યાત છે, શીતળતા આપતાં આ ફૂલ એક ઔષધિ તરીકે પણ કામ કરે છે. ગયાં વર્ષે જર્મની હતી તો, ચેરી બ્લોસમ થી લદાયેલા વૃક્ષો વાળો આખો બાગ આંખને એક અજીબ પ્રસન્નતાથી આંજી દે! કારણ કે આ કુદરતની એવી કરામત છે, કે માનવીનું ત્યાં સુધી પહોંચવું અશક્ય છે! વિજ્ઞાનની રીતે જે હોય તે, પણ પ્રકૃતિ કાયમ નિઃસ્વાર્થતા નો સંદેશ આપે છે, અને જરુર હોય કે ન્હોય, પણ માનવી દિવસે દિવસે વધું ને વધું સ્વાર્થી થતો જાય છે. મહા મહિનાથી ચૈત્રનાં પ્રારંભ સુધી વસંત ઋતુ ચાલે છે, અને એ રીતે ફાગણ મહિનો વસંતનો મુખ્ય મહિનો છે.
ફાગણ મહિનામાં આપણો સામાજિક તહેવાર હોળી ધુળેટી પણ આવે છે. ભક્તિનો અપરંપાર મહિમા છે, અને એટલે જ ભક્તને બચાવવાં ભગવાન ગમે તે રુપ ધારણ કરી એનું રક્ષણ કરે છે. બુરાઈ ઉપર અચ્છાઈની જીત થઈ, એ રીતે હોલિકા દહનને બીજે દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે, જે રંગોત્સવ તરીકે પણ ઓળખાય છે. લિંગ પુરાણમાં પણ ફાલ્ગુનિકા નામે હોલિકા મહોત્સવની વાત આવે છે, અને વરાહ પુરાણમાં પણ હોલિકા ઉત્સવની વાત છે, જેને પટવાસ વિલાસીની તરીકે ઓળખવામાં આવે છે. મહા ને અંતે શિવ પાર્વતી નાં લગ્નનો દિવસ, રાધા કૃષ્ણ ના અમર પ્રેમની ગાથા ગાતી બરસાના ની હોલી આમ સર્વત્ર પ્રેમ પ્રેમ પ્રેમ… અને કદાચ એટલે જ ફાગણ ને સુખનો મહિનો કહેવામાં આવે છે. ફાગણ મહિનો મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અભિગમ પ્રેરિત છે, કારણ કે સોમ એટલે કે ચંદ્રની ઉત્પત્તિનો મહિનો પણ ફાગણ છે. ચંદ્ર એ માનવીય મનને પ્રભાવિત કરનાર દેવ છે, એટલે એ રીતે પણ સુખની લાગણી થાય. એની પરથી કહી શકાય કે સુખ નામની લાગણી કે અનૂભૂતિ માટે મન કારણભૂત છે! આમ પ્રકૃતિ સન્મુખ થઈએ તો સતત સકારાત્મક ઉર્જા મળે છે. જોકે પ્રકૃતિ હવે પ્રદૂષિત થઈ ગઈ છે, અને એટલે ઋતુઓ પણ પહેલા જેવી અસરકર્તા નથી રહી,પણ તે છતાં સકારાત્મક ઉર્જા કે સુખ પ્રેરિત કંઈ રીતે જીવી શકાય એ જોઈએ.
હમણાં ટીવીમાં માઝા વાળાની એક નવી જાહેરાત આવી છે, કે છોટી છોટી ચીઝે સેલિબ્રેટ કર પ્યારે .. એમ મનુષ્ય ધારે તો સુખી રહેવાં અથવા પ્રસન્ન રહી શકે એ માટે નાના કારણો શોધી શકે, અને સુખ માટે સતત જે બીજા પર ઉપેક્ષિત રહેતો હતો એમાં પણ ફેર પડી શકે. આપણે સૌને સુખી થવું છે, એ આપણો હક્ક પણ છે, એટલે દરેકની સુખી થવાની ઈચ્છા હોય એમાં કંઈ ખોટું નથી, પણ આપણે અમુક બાબતે સ્પષ્ટ થવું પડે કે, આપણે અન્ય ને દુઃખી કરી સુખી થવું છે, કે પછી આપણી જીદ અન્ય જેટલાં સુખી થવું એવી છે! અથવા તો અમુક પ્રકારનાં સાધનો મને મળે, તો જ હું સુખી! ભૂલ ત્યાં છે, બાકી આપણાં સુખ માટેનાં તમામ સાધનો ઈશ્વરે આપણને આપ્યાં જ હોય, એવું પણ બને! પણ આપણે સુખી નથી! કે પર્યાપ્ત માત્રામાં સાધનો નથી માટે સુખ નથી એ નક્કી કરવું પડે.
હવે આ સુખ નામની ગુત્થી ને ઉકેલવા, સુખ કોને કહીશું એ જોવું પડે! સુખ એટલે જે કંઈ વિકટ પરિસ્થિતિમાં આપણને રાહતની લાગણી કરાવે એ! અત્યંત ભૂખ્યાં થઈ ભોજન કરવાં બેઠા અને આપણને ભાવતાં વ્યંજનો થાળીમાં પીરસાયેલ હોય તો આપણે સુખી, અને એનાથી વિપરીત આપણને ભાવતું ન્હોય એવું પીરસ્યું હોય તો આપણે દુઃખી. એવું જ અન્ય ચીજ વસ્તુઓમાં આપણી પસંદની પેસ્ટ, સાબુ, સાવર જેલ, શેમ્પૂ, કંડીશનર, ટોવેલ, નેપકીન બેડશીટ, બ્લેંકેટ, આઉટફીટ, પર્સ કે અન્ય એસેસિરીઝ, તે છેક વાહન, ગાડી, ફ્લેટ, બંગલો, એ બધું આપણે ઈચ્છ્યું હતું એવું મળે તો, આપણે સુખી, ન મળે તો દુઃખી! આની પરથી એકવાત તો નક્કી છે કે માનવી સાધન સંપન્નતા ને જ સુખ માની બેઠો છે, હાં થોડોઘણો એનો આધાર હોય, એ વાતને નકારી શકાય નહીં, કારણ કે માનવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાં પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓની જરૂર પડે જ!
મન નામની અદ્રશ્ય ઈન્દ્રિય એક પછી એક ઈચ્છા કરે, અને માનવી એ ઈચ્છા પૂરી કરવાં આકાશ પાતાળ એક કરે! કારણ કે દર વખતે એને એમ થાય કે આ ઈચ્છા પૂરી થાય એટલે હું સૌથી સુખી! પણ ઈચ્છિત વસ્તુ મળવાથી એ સુખની લાગણી કાયમ રહેતી નથી, કારણ કે થોડી જ વારમાં મન બીજી ઈચ્છા કરે છે, અને શરીરની બધી ઇન્દ્રિયો એ ઈચ્છા પૂરી કરવાં માટે કાર્યરત થાય છે. જાહેરાતો ના આ યુગમાં આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓની વિવિધતા વધતી જ જાય છે, અને એટલે માનવીનાં મનમાં બસ આ જ ચક્ર દિવસ રાત ચાલે છે, અને એને કારણે એને પોતાની પાસે રહેલા સાધનો સુખ આપી શકતાં નથી, અથવા તો પર્યાપ્ત નથી એવી લાગણી થાય છે.
પણ ફાગણ મહિનો અને એમાં થતાં પ્રાકૃતિક ફેરફારો આપણને શીખવે છે કે, ગમે તેવી પરિસ્થિતિ હોય, હંમેશાં પોઝિટિવ વિચારો અને જીવનને પોઝિટિવ બનાવો. આ મહિનાનાં વ્રત અને તહેવારોમાં પણ આ જ ભાવ છુપાયેલો હોય છે, એટલે ફાગણ મહિનામાં આવતાં હોળી ધુળેટીના તહેવાર અન્યોન્યની લાગણીથી પોઝિટિવ ઊર્જા અને સુખથી ભરપૂર હોય છે. ટૂંકમાં ફાગણ મહિનાના તહેવારનો સામૂહિક સંદેશ એ જ છે કે, જીવનમાં કર્મઠતા અને યોગ્ય દિશા પસંદ કરો. આપણે આપણી શારીરિક, માનસિક, અને આર્થિક મર્યાદામાં આશા અને આકાંક્ષા નું વર્તુળ રચીએ. આ ઉપરાંત આપણી અંદર આત્મ ઉત્થાન માટે આગળ વધવા અને ઉપર ઉઠવાની જે ભાવના છે, તેને મરવા દઇએ નહીં. કેમ કે જેઓ અંતરમાં ઉભરતા ત્રિગુણને સમજી અને સમયે તે ગુણ વડે પ્રકૃતિ જેવું નિઃસ્વાર્થ અને પરોપકારી કર્મ કરે છે, ભગવાન તેનો જ સાથ આપે છે. તો ફાગણી ઊર્જાના સ્ત્રોતને આપણે સૌ આ રીતે આત્મસાત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારાં આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

