New Delhi, તા.16
રાષ્ટ્રમંડલ સંઘ દ્વારા ભારતમાં અમદાવાદમાં 2030ના રાષ્ટ્રમંડલ ખેલની યજમાની માટે ભલામણ કરવામાં આવતા ભારત માટે આ એક અપાર ખુશી અને ગૌરવનો દિવસ હતો. આ સાથે જ અમદાવાદ એક ગ્લોબલ સ્પોર્ટસ અખાડા તરીકે ઉભરી આવશે. રાષ્ટ્રમંડલ ખેલ 2036ના ઓલિમ્પિક ખેલ માટે પણ ભારતનો દાવો મજબૂત કરશે.
વર્ષ 2030ની રાષ્ટ્રમંડલ ખેલોની યજમાની ભારતને મળવી નકકી છે. આ માત્ર રમતનું આયોજન નથી બલકે 2036 ઓલિમ્પિક રમતો માટે તૈયારીનું પણ એક મોટું પગલું હશે. અમદાવાદની પસંદથી ભારતની વૈશ્વિક રમત ક્ષમતા અને આયોજન દક્ષતાનું પ્રદર્શન થશે.
રાષ્ટ્રમંડલ ખેલના કાર્યકારી બોર્ડે અમદાવાદને 2030 શતાબ્દી રાષ્ટ્રમંડલ રમતો માટે ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ રાષ્ટ્રમંડલ ખેલ મૂલ્યાંકન સમીતીની દેખરેખમાં ચાલતી પ્રક્રિયા બાદ કરવામાં આવી છે. જેમાં જોવામાં આવ્યું હતું કે ટેકનીકલ સુવિધા કેવી છે. ખેલાડીઓનો અનુભવ કેવો રહેશે. પાયાનું માળખુ અને સંચાલન કેવી રીતે થશે અને શહેર રાષ્ટ્રમંડલ ખેલોના મૂલ્યો સાથે કેટલું મેળ ખાય છે.
રાષ્ટ્રમંડલ ખેલની પસંદગી મામલે ભારતનો મુકાબલો નાઈજીરિયા સાથે હતો પણ રાષ્ટ્રમંડલ ખેલ સંગઠનોએ નકકી કર્યું કે તે ભવિષ્યમાં નાઈજીરિયાને રમતોની યજમાની માટે તૈયાર કરવામાં મદદ કરશે. જે અંતર્ગત 2034ની રમતોની યજમાની માટે નાઈજીરિયા પર વિચાર થઈ શકે છે.
ભારતીય રમતના પાયાના માળખામાં મોટા પાયે સુધારા થઈ રહ્યા છે. રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આ ભારતીય રમતો માટે ઐતિહાસિક ક્ષણ છે. આઈઓએ પ્રમુખ પી.ટી.ઉષાએ જણાવ્યું હતું કે આ રમત ભારતની રમત ક્ષમતા, યુવા પ્રતિભાઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને મજબૂત કરવાનો અવસર છે. રાષ્ટ્રમંડળ રમતોની યજમાની કરવું ભારત માટે `અસાધારણ સન્માન’ રહેશે.
અમદાવાદની પસંદગી શા માટે?
મજબુત ઈન્ફ્રાસ્ટ્રકચરઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અને વિશ્વ સ્તરીય રમત સ્થળ અગાઉથી મોજૂદ છે. નવા કોમ્પ્લેકસના નિર્માણ ચાલુ છે.
મેનેજમેન્ટ ક્ષમતાઃ શહેરે મોટા રાષ્ટ્રીય આયોજનનો સફળ અનુભવ હાંસલ કર્યો છે.
બહેતર કનેકટીવીટીઃ આંતરરાષ્ટ્રીય વિમાન મથક, રેલ અને માર્ગ નેટવર્કથી સારી રીતે જોડાયેલું છે.
સરકારી સમર્થનઃ કેન્દ્ર અને રાજય સરકાર બન્ને નાણાકીય અને પ્રશાસનિક સહયોગ આપી રહ્યા છે.
આપણી શું તૈયારી છે?
સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવઃ 650 એકરમાં બની રહેલ આ પ્રોજેકટ 10 નવા સ્ટેડિયમ, એકવાટિકસ સેન્ટર, ફુટબોલ સ્ટેડિયમ અને ઈનડોર અખાડાથી સૂસજજ થશે.
બજેટ અને સમયસીમાઃ રૂા.5050 કરોડના ખર્ચથી ડિસેમ્બર 2028 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે.
શહેરી વિકાસઃ રમત સુવિધાઓ અને અવરજવર વ્યવસ્થા માટે 200 હજાર હેકટર ભૂમિનું પુનઃગઠન કરાયું છે.
આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ભારત માટે અપાર ખુશી અને ગૌરવનો દિવસ છે. રાષ્ટ્રમંડલ સંઘ દ્વારા અમદાવાદને 2030માં રાષ્ટ્રમંડળ રમતોની યજમાનીની ભલામણ થવા પર ભારતના પ્રત્યેક ભારતીયને અભિનંદન.