Junagadh,તા.04
માણાવદર નજીક ગળવાવ ફાટક પાસે ડમ્પરે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઇકસવાર દંપતીનું મૃત્યુ અંગેના 10 વર્ષ પહેલાંના કેસમાં રાજકોટ ટ્રિબ્યુનલ દ્વારા બંનેનું વ્યાજ સહિત કુલ 2.20 કરોડ વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત એવી છે કે, ગઈ તા.૦૯/ ૦૫/ ૨૦૧૫ના રોજ ગળવાવ ફાટક પાસે માણાવદર પોલીસ સ્ટેશનની હદમાં ડમ્પરે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી
પૈકી પતિ હીમાંશુભાઈ કાંતીભાઈ ધામેચાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે તેમના પત્નિ પાયલબેનનું જુનાગઢ, રાજકોટ, અમદાવાદ ખાતે લાંબી સારવાર બાદ મૃત્યુ થયું હતું. જેમાં બંનેના વારસદારો દ્વારા રાજકોટ મોટર એકસીડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલમાં ક્લેઇમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અરજદારો વતી એડવોકેટ દ્વારા રજૂ કરવામાં આવી હતી કે લાંબી સારવાર બાદ મૃત્યુ પામેલા પાયલબેનનું પીએમ થયું ન હતું તેવા સંજોગોમાં અકસ્માત બાદ તેમની જુનાગઢ મુકામે ત્રીમુર્તિ, રાજકોટ એચ.જે. દોશી હોસ્પિટલ તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલના પેપર્સ રજુ કરવામાં આવેલ અને ગુજ.નું મૃત્યુ અકસ્માતવાળી ઈજાને લીધે થયેલ તેવું સાબિત કરવામાં આવ્યું હતું, અને બન્ને પતિ પત્નિના આવક અંગેના ઈન્કમ ટેક્સ રિટર્ન રજુ કરવામાં આવેલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ જજમેન્ટ રજુ કર્યા હતા, જે ધ્યાને લઈ ટ્રિબ્યુનલ દ્વારા પતિ પત્નિ બન્નેના અકસ્માત મૃત્યુ અંગે વ્યાજ સહિત રૂ. ૨.૨૦ કરોડ વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે. આ કામમાં ગુજરનારનાં વારસદારો વતી અકસ્માત વળતરનાં સ્પેશ્યાલીસ્ટ વકીલ કલ્પેશ કે. વાઘેલા તથા ભાવિન આર. પટેલ, અર્જુન ડિ. કારીયા(ગઢવી), કરણ ડી. કારીયા(ગઢવી), શ્રધ્ધા અકબરી, આદિત્ય મકવાણા, કુનાલ ચાવડા તેમજ માનવ ચાવડીયા રોકાયા હતા.