Rajkot, તા.13
અયોધ્યા ચોકમાં ખૂનની કોશીષના ગુનામાં આરોપીએ જામીન પર છૂટી ફરિયાદીને ધમકી આપ્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આરોપીને મળેલ જામીન રદ કરવા અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી.
કેસની વિગત અનુસાર, તા.1/11/24 ના રોજ અયોધ્યા ચોક પાસે, ટાઈમ સ્કવેર બીલ્ડીંગ સામે ફુટપારી ઉપર જુની અદાવતનો ખાર રાખી છરીઓ મારી ખુનની કોશીષ થઈ હતી.
જે ગુનામાં જેલમાં રહ્યા બાદ જામીન મુકત થયા ફરિયાદીને ગર્ભીત ધમકી આપવા અંગે આરોપીઓ ચીરાગ બાબુભાઈ ધામેચા, મીત મનીષભાઈ ધામેચા, અમીત બાબુભાઈ ધામેચા, અને મનીષ બાબુભાઈ ધામેચા (રહે.બધા જીવંતીકાનગર શેરી નં.1, ગૌશાળા પાસે, ગાંધીગ્રામ)ના જામીન કેન્સલ પોલીસે કોર્ટમાં અરજી કરી હતી.
ફરિયાદીનું કહેવું હતું કે, સમાધાન કરવાની વાત કરેલ જેથી મેં સમાધાન કરવાની ના કહેલ. પછી ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ સ્ટોરી મુકી ગર્ભીત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આરોપીના વકીલ રોહીત બી. ઘીયાએ દલીલ કરેલ કે, ધમકીનો એન.સી. ગુન્હો હોવા છતાં પોલીસે કોર્ટમાં આરોપીઓને અટકાયત કરી રજુ કરેલ. ધમકીના કેસમાં આરોપીઓને કોર્ટમાં જામીન મુક્ત કરવામાં આવેલ.
ઉપરાંત આક્ષેપ મુજબની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. આરોપીઓની જ છે કે કેમ તે ટ્રાઈલ દરમ્યાન ખબર પડે તેમ છે. સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહય રાખી પોલીસની આરોપીઓના જામીન કેન્સલ કરવાની અરજી નામંજુર કરેલ છે. આ કેસમાં આરોપીઓ એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડિયા રોકાયેલા હતા.