Junagadh, તા.21
વિસાવદરના શોભાવડલા ગામે ગામમાં ચાલતા સીમેન્ટ રોડના કામમાં નબળી ગુવણતાના કામ બાબતે ગામના રહીશે અધિકારીઓને રજુઆત કરતા ગામના
સરપંચ સહિતના પાંચ શખ્સોએ લોખંડના સળીયા-લોખંડ વડે તેમજ ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે ગામના સરપંચે પણ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ શોભાવડલા (ગીર) ગામે રહેતા દિલીપભાઇ જીવરાજભાઇ કાનાણી (ઉ.વ.પર)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગામમાં સીમેન્ટથી રોડ મઢવાની કામગીરી ચાલુ હોય ત્યારે જે કામ નબળી ગુણવતાવાળુ થતું હોય જેથી આ બાબતે સરકારી અધિકારીઓને રજુઆત કરેલ હોય તેનો ખાર રાખી ગઇકાલે સાંજે 4.30ના સુમારે ગામના સરપંચ સુભાષભાઇ બેચરભાઇ માંગરોલીયા તેમનો દિકરો પ્રિન્સ સુભાષ માંગરોલીયા, જયદીપ રમેશ માંગરોલીયા, ચના મનજી માંગરોલીયા અને મધુ મનજી વાઘેલા એ પંચાયતની કામમાં આડે નહીં આવવાનું કહી લોખંડના સળીયા, લાકડી, ઢીકા પાટુનો માર માર્યાની પાંચ સામે ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે સરપંચ સુભાષ બેચરભાઇ માંગરોલીયા (ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે સરપંચ હોય ગામમાં સિમેન્ટ રોડનું કામ ચાલુ હોય જે કામ આરોપી દિલીપ કાનાણીએ અધિકારીને ફોન કરી બંધ કરાવેલ હોય જે કામ ચાલુ કરવા સરપંચ સુભાષભાઇએ આરોપી દિલીપ કાનાણીને કહેતા તેમને ભુંડી ગાળો ભાંડી લોખંડના સળીયા વડે માર માર્યો હતો અન્ય શખ્સ હરીભાઇ રૈયાભાઇ પટોડીયાએ ઢોર માર માર્યો હતો. વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

