Jamnagar,તા.24
મીઠાપુર નજીકના સુરજકરાડી ગામે રહેતા લખમણભાઈ દેવાભાઈ હાથીયા નામના 34 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન નજીકની એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોય અને તેમની સાથે અન્ય સાહેદો મીઠાપુર ટાઉનશીપમાં રહેતા દીપસિંહ ચૌહાણની સાઈટમાં કામ કરતા હતા. ત્યારે મેનેજર એવા દીપસિંહ ચૌહાણએ તેઓને ટોયલેટ બાથરૂમની સાફ-સફાઈ કરવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી લખમણભાઈ તથા સાહેદોએ કહ્યું હતું કે અમે હેલ્પરનું કામ કરીએ છીએ.
આમ, ટોયલેટ બાથરૂમની સાફ-સફાઈ કરવાનો ઇનકાર કરતા આરોપી દીપસિંહ સાથે રવિ રામાનુજ મયુર બારીયા અને સતીશ હરિયાણી નામના ચાર શખ્સો સામે ફરિયાદી દ્વારા ઉચ્ચ કક્ષાએ ઇ-મેલ દ્વારા ફરિયાદ કરતા તેમને માનસિક રીતે ત્રાસ આપી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં એટ્રોસિટી તેમજ બી.એન.એસ.ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયાના વિરમદળ ગામેથી ચાર જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર વિરમદળ ગામે મોડી રાત્રિના સમયે એક મંદિર પાસે બેસીને સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાયદે આલા ડાંગર, મહેશ હમીર ડાંગર, પબા માલદે ચેતરીયા અને રામદે કારા ગાગીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 11,250 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુરમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા દેવશી મેણંદ કારાવદરા નામના 54 વર્ષના આધેડે તેમની ખેતીની જમીનમાં પરપ્રાંતિય મજૂરોને કામે રાખીને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને ન કરતા તેની સામે જાહેરનામા ભંગની કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

