Morbi, તા.6
મોરબીના પીલુડી (વાઘપર) ગામે હાલમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો જેથી પતિ સહિતના સાસરિયાઓ દ્વારા તેને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવેલ છે.
મૂળ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ જાસોલીયા સોસાયટીમાં રહેતા અને હાલ પીલુડી (વાઘપર) ગામે રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા (26)એ હાલમાં તેના પતિ અભયરાજસિંહ અનોપસિંહ ચુડાસમા, સાસુ ભારતીબા અનોપસિંહ ચુડાસમા, સસરા અનોપસિંહ મહિપતસિંહ ચુડાસમા અને દિયર હર્ષરાજસિંહ અનોપસિંહ ચુડાસમા રહે. બધા જાસોલીયા સોસાયટી નવાગામ ઘેડ જામનગર સામે ફરિયાદ નોંધાવી છે .
જેમાં જણાવ્યુ છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે તથા કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને તેની સાથે માથાકૂટ કરવામાં આવતી હતી અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીએ દીકરીને જન્મ આપતા તે બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા જેથી પરણિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
ફીરકી
મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થયેલ શખ્સ પાસેથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની ફીરકી કબ્જે કરી હતી અને આરોપી નટવર ભુપતભાઈ રાતૈયા (20) રહે. ઇન્દીરાનગર ધરપકડ કરી હતી અને તેની સામે કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વરલીના આંકડા
રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ નજીક ભવાની સોડા વાળી શેરીમાંથી વરલી જુગારના આંકડા લેતા નવઘણ મોહનભાઈ સોલંકી (20) રહે. કાલિકા પ્લોટ ભવાની સોડા વાળી શેરી રવાપર રોડ મોરબી તથા મકબુલ નિજામભાઈ ચાનીયા (28) રહે. કાલિકા પ્લોટ શિવ સોસાયટી મળી આવતા પોલીસે તેની પાસેથી 310 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
આપઘાતનો પ્રયાસ
હળવદ તાલુકાના રણછોડગઢ ગામના જ્યોતિબેન રોહિતભાઈ સુરેલા (22)એ ગોલાસણ ગામની સીમમાં હનુભા કલુભા ગઢવીની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા સાતેક મહિના પહેલા જ્યોતિબેન તેના માતાની ખબર કાઢવા માટે તેને પિયર આવ્યા હતા અને ત્યારબાદ તેના સાસરીવાળા તેને સાતેક મહિનાથી તેડવા માટે ન આવતા કંટાળીને મહિલાએ ઝેરી દવા પી લીધેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને કાર્યવાહી કરી છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સફારી સેનેટરી નામના કારખાના પાસે મારામારીના બનાવમાં ત્રાજપર ખાતે રહેતા ખોડાભાઈ બાબુભાઈ સુરેલા (35) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
સાપ કરડી ગયો
મોરબી નજીકના લાલપર ગામ પાસે ઘોઘા મહારાજના મંદિર પાસે વિકાસ અજયભાઈ પરમાર (5) નામના બાળકને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
બાળકી સારવારમાં
મોરબીના રંગપર ગામે રહેતી આદિતિ વિકાસભાઈ મકવાણા (10) નામની બાળકીએ ભૂલથી ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

