Morbi, તા.4
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માથક ગામના પરિણીતાએ થોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો.જે સંદર્ભે હાલ મૃતકના ભાઈ દ્વારા બનેવી સહિત ચાર લોકો સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેર જાતે કારડીયા રાજપુત (41) નામના યુવાને તેમના મરણ જનાર બહેન નીતાબેન અરજણભાઈ ચાવડાને લગ્ન બાદથી શારિરીક-માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કરવામાં આવ્યા હોવાની થોડા સમય પહેલા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી.જેનો આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં ફરિયાદી ઈન્દ્રજીતભાઈ ખેર દ્વારા તેમના બનેવી અરજણભાઈ દેવુભા ચાવડા, ઉપેન્દ્રભાઈ અરજણભાઈ ચાવડા, ધનુબેન દેવુભા ચાવડા રહે.ત્રણેય માથક તા.હળવદ જી.મોરબી તથા વસંતબેન ઝાલાભાઇ ચાવડા હાલ રહે.હળવદ મૂળ રહે.માથક સામે પોતાના મરણજનાર બેન નિતાબેનને દુ:ખ ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા અંગે ફરિયાદ નોંધાવેલ છે.
જે આધારે પોલીસ દ્વારા ઉપરોકત ચારેય સામે ફરિયાદ નોંધી છે.જેની આગળની તપાસ હળવદ પોલીસ મથકના પીએસઆઇ એચ.એન.ગઢવી ચલાવી રહ્યા છે. ફીનાઇલ પી જતા સારવારમાં મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસેના ગોકુલનગર વિસ્તારમાં રહેતા શારદાબેન પ્રવીણભાઈ કંજારીયા (32) એ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફીનાઇલ પી લીધું હતું.જેથી કરીને તેમને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર (નદી) ગામે વીંછી કરડી જતા જયકિશન તેજબહાદુર રાજભર નામના 36 વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કુંતાસી ગામે રહેતા મગનભાઈ ગંગારામભાઈ ભાડજાને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હતી.જેથી અત્રે નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ હજનારી ગામથી કુંતાસી જતા હતા.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર થયેલ વાહન અકસ્માત બનાવમાં ઇજા થતાં નરસીભાઈ ભીખાભાઈ (45) તથા પ્રભાબેન નરસિંહભાઈ (40) રહે.બંને શનાળા મોરબી ને ઇજા થતાં બંનેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામે પાવર હાઉસ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં શુભમ સુભાષભાઈ હાલ રહે.મોરબી મૂળ રહે. બુરહાનપુર ઉત્તરપ્રદેશને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના બીલીયા અને બગથળા ગામની વચ્ચે બાઇક સ્લીપ થઈ જતા ઈજા પામેલ પ્રવીણભાઈ લધુભાઈ મકવાણા (37) રહે.બગથળાને પણ અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.

