કલેક્ટર તંત્રના આદેશ બાદ કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી
Veraval, તા.૨૭
ગીર ગઢડાના જમજીર ધોધમાં પૂરની પરિસ્થિતિ હોવાથી અહીં અવરજવર પર પ્રતિબંધ છે. છતાં પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે અહીં વિડીયો બનાવી વાઈરલ કર્યો છે. આ મામલે વિવાદ થતા કલેક્ટર તંત્રના આદેશ બાદ કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.ગીર સોમનાથના જમજીર ધોધ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રિલ્સ બનાવી હતી. આથી નિવાસી અધિક કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પૂજા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ પર ૯ લાખ કરતા વધુ ફોલોઅર્સ ધરાવે છે. આ મામલે અગાઉ ઉના ડિવિઝનના ડીવાયએસપી મહાદેવ ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે કોડીનાર પી.આઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે પ્રોફાઈલ પર વીડિયો અપલોડ થયો છે તેનું વેરિફિકેશન કરી તેનો સંપર્ક કરી વીડિયો બનાવી વાયરલ કરવા બદલ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તમામ કાર્યવાહી કર્યા બાદ કોડીનાર પોલીસે ગાંધીનગરના કલોલમાં રહેતી પૂજા કાંતિભાઈ પ્રજાપતિ અને અન્ય બે અજાણી યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધી છે.ઉલ્લેખનીય છે કે પૂજા પ્રજાપતિએ તેની બે મિત્ર સાથે ગીર સોમનાથની શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધ પર રિલ્સ બનાવી હતી. વીડિયોમાં ત્રણેય યુવતીઓ ધોધના જોખમી કાંઠા પર જ જોવા મળી રહી છે.નોંધનીય છે કે, જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોય તંત્ર દ્વારા ધોધ નજીક લોકોની અવરજવર પર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં પૂજા પ્રજાપતિ સહિત ત્રણેય યુવતીઓએ ધોધ નજીક પહોંચી રિલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જે તંત્રના ધ્યાનમાં આવાત ગીર સોમનાથના નિવાસી અધિક કલેકટર રાજેશ આલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.