Upleta તા.16
ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ગેરકાયદેસર રોયલ્ટી વગરની રેતી ભરેલા ડમ્પરને ઝડપી પાડવાની કરેલી કામગીરીમાં મામલતદાર કચેરી સ્ટાફની ફરજ માં રૂકાવટ કરવા બદલ તેમજ ધમકીઓ આપવા સહિતની બાબતને લઈને ઉપલેટા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દ્વારા આ મામલાની અંદર ત્રણ અલગ અલગ વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ વિરમભાઈ કરંગીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ઉપલેટા મામલતદાર એન.એચ. મહેતાએ ટેલીફોનિક આપેલી સૂચનાથી નાયબ મામલતદાર જે. એન. કરંગીયા, ડ્રાઈવર ભગીરથસિંહ વાળા સરકારી ગાડી નંબર જી.જે. 03 જી.એ. 5384 નંબરના વાહનમાં તપાસ અર્થે ગયેલ હતા.
જ્યાં રોયલ્ટી વગરની રતિ ભરેલા ટ્રક નંબર ડી.ડી. 01 સી. 9524 તેમજ ડી.ડી. 01 સી. 9678 મળી આવતા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉપલેટાના પોરબંદર રોડ પર યાદવ હોટલની બાજુમાં આવેલ રેતી ચારવાના ચારણા પાસે બે ડમ્પરની અંદર ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગરની રેતી ભરેલી મળી આવેલ હતી.
જે મુદ્દામાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલેટા મામલતદાર કચેરીએ લઈ જવાનું કહેતા તેમને વાહનો લઈ જવાની ના પાડી અને ધમકાવી કાયદેસરની કાર્યવાહીમાં ફરજ રૂકાવટ કરી ગાળા ગાડી કરી અને ધાક ધમકીઓ આપ્યા હોવાનું જણાવ્યું છે.
આ બાબતને લઈને નગાભાઈ જેસાભાઇ વાંદા, દિવ્યેશભાઈ હરદાસભાઇ તેમજ પ્રકાશભાઈ મેરામભાઇ વાઘેલા નામના ત્રણ વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.