Vadodara,તા.23
વડોદરા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો આમને સામને આવી કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે ત્યારે પોલીસ પરમિશન લીધા વિના પણ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે સામે હવે પોલીસ ફરિયાદ કરવાની માગણી શરૂ થઈ છે.
ગઈકાલે રાત્રે તાંદળજા વિસ્તારમાં યોજાયેલા ગેરકાયદે કાર્યક્રમ અંગે ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પોલીસ કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વડોદરામાં આવેલ તાંદલજા વિસ્તારમાં તા.22-04-2025ના રોજ પોલીસ પરમીશન વગર હજારોની સંખ્યામાં વકફ બીલ તેમજ યુ.સી.સી. ના કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તેમજ મહિલાઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. જેથી આ વિરોધ પ્રદર્શનમાં કોઈપણ જાતની મંજુરી વગર આયોજન કરી અનેક મહિલા તેમજ બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. કારણકે જો કોઈપણ જાતની મંજુરી વગર તેમજ કોઈપણ જાતની તકેદારી વગર આ વિરોધ પ્રદર્શન રાખ્યું હોય અને જો આ જગ્યા પર કોઈ અણ બનાવ બન્યો હોત તો અનેક લોકોના જીવને જોખમ ઉભું થાત, તેમજ આ કાર્યક્રમ માટે એક પત્રિકા બહાર પાડી હતી જેમાં પોલીસ પરમીશન મળી ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આવી કોઈ પરમીશન મેળવેલ ન હતી. જેથી લોકોને ગેરમાર્ગે દોરી ખોટી રીતે આ વિરોધમાં બોલાવેલ માટે આ પત્રિકા બહાર પાડનાર તેમજ આ વિરોધ પ્રદર્શનનુ આયોજ્ન કરનાર તેમજ લોકોને ગેરમાર્ગે દોરનાર વિરોધ પ્રદર્શનના આયોજક સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આ વિરોધ પ્રદર્શન રાખેલ હોય જે.પી.રોડ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આ લોકો સામે જાહેરનામાં ભંગ તેમજ ખોટી પોલીસ પરમીશનની પત્રિકા બહાર પાડનાર લોકો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવે.