Jamnagar,તા ૬,
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં જૂની સોની બજારમાં આવેલી એક સોના ચાંદીના ઘરેણાં ના જ્વેલરી શોપમાં ગ્રાહક ના સ્વાંગ માં આવેલા એક મહિલા અને બે પુરુષો સોની વેપારી ની નજર ચૂકવી રૂપિયા ચાર લાખની કિંમતના સોનાના દાગીના ભરેલો ડબ્બો ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે, અને નજીકના ભવિષ્યમાં જ ચોરી નો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે, અને તસ્કર ત્રિપુટી પોલીસ ના શકંજા માં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટીમાં રહેતા અને ચાંદી બજાર વિસ્તારમાં જૂની સોની બજારમાં હુસેની જવેલર્સ નામે સોના ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા ફૈઝરભાઈ મામુજીભાઈ નામના ૭૫ વર્ષના વ્હોરા વેપારીએ પોતાની દુકાનમાંથી ગત ૨૫.૪.૨૦૨૫ ના સવારે ૯.૪૦ વાગ્યા ના અરસામાં ગ્રાહક ના સ્વાંગમાં આવેલી એક મહિલા અને બે પુરુષો કે જેઓ વેપારી ની નજર ચૂકવી રૂપિયા ચાર લાખની કિંમતના સોના ના અલગ અલગ દાગીના ભરેલો ડબ્બો ઉઠાવી ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત ૨૫ મી તારીખે સવારે વ્હોરા વેપારી પોતાની દુકાન ખોલીને બેઠા હતા, જે દરમિયાન સોનાનો ઓમકાર ખરીદવાના બહાને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ગ્રાહક ના સ્વાંગ માં આવ્યા હતા, અને અલગ અલગ ઓમકાર જોવાના બહાને વ્હોરા વેપારીને વાતોમાં પરોવી દઈ દુકાનમાં રાખેલો એક ડબ્બો ઉઠાવીને ભાગી છુટ્યા હતા.
જેમાં અલગ અલગ સોનાના દાગીના જે પૈકી ૬ નંગ કાનમાં પહેરવાના ઇયરિંગ, ત્રણ જોડી બુટિયા, સહિત કુલ પાંચ તોલા જેટલો વજનનો સોનાના દાગીના સાથે નો ડબ્બો, કે જેની અંદાજે કિંમત ચાર લાખ થાય છે. જેની ઉઠાંતરી કરી ગયા હતા.
પોતાના ઘેર લગ્ન પ્રસંગ હોવાથી એક સપ્તાહ સુધી દુકાન બંધ રાખી હતી ત્યારબાદ ગઈકાલે દુકાન ખોલીને નિરીક્ષણ કરતાં તેમાંથી ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ પથકમાં લઈ જવાયો હતો, અને સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા તેમજ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી રામાનુજ અને તેઓની ટીમ દોડતી થઈ છે, અને નજીકના ભવિષ્યમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.
જુનાગઢ ના કેશોદ પંથક માં તસ્કર ત્રિપુટી પોલીસના સકંજા માં આવી ગઈ હોય, તેવું જાણવા મળી રહ્યું છે. તેથી પોલીસે તપાસના ચક્રો તે દિશામાં ગતિમાન કર્યા છે.